Pages

Subscribe:

Blogger templates

Tuesday, 3 September 2013

- માનવીનું 'અવચેતન મન' ગજબનાક શક્તિ ધરાવે છે. આપણે જો એનો સાચી દિશામાં ઉપયોગ કરીએ તો તેનો કેટલો બધો લાભ લઈ શકીએ!


જેકી ગ્લીસન નામનો વિખ્યાત કોમેડિયન પરામનોવિજ્ઞાાન ક્ષેત્રે ઊંડો રસ ધરાવતો હતો અને હિપ્નોસિસની પ્રક્રિયાથી મનની શક્તિ વિશે જાણવા સઘન પ્રયત્નો કરતો. જેનું જીવન લોકોને હસાવવામાં જ ગયું, જે કદી ગંભીર બન્યો જ નહોતો તે આવા ગૂઢ અને ગહન વિષયમાં રસ લેતો થયો અને એમાં સિદ્ધિ પણ મેળવી શક્યો તેનું કારણ હતું તેની ડો. ર્હાઈન સાથેની ગાઢ મિત્રતા!

ઇન્દ્રિયાતીત શક્તિઓને વૈજ્ઞાાનિક અભિગમથી ચકાસવાનું કાર્ય વિલિયમ મેકડુગલ નામના મનોવિજ્ઞાાનીએ ડયુક યુનિવર્સિટી ખાતે ઈ.સ. ૧૯૨૭ના વર્ષ દરમિયાન કર્યું. તે પૂર્વે આવી ક્ષમતાને હાથચાલાકી કે છેતરપિંડી સમજવામાં આવતી. તેમણે અનેક વર્ષો સુધી આ વિષયમાં સંશોધન કર્યું. ઈ.સ. ૧૯૩૧માં તેમને ડો. જોસેફ બેન્ક્સ ર્હાઈન અને તેમની પત્ની લૂઈસાનો વધુ ઊંડું સંશોધન કરવા સાથ મળ્યો. ડો. મેકડુગલે તેમને આ ક્ષેત્રે આગળ ધપવા તમામ અનુકૂળતા કરી આપી. અમેરિકાના નોર્થ કેરોલિનામાં આવેલ ડયુક યુનિવર્સિટી ખાતે ખાસ પ્રકારના પ્રયોગો કરવા માટે તેમને વિશિષ્ટ પ્રયોગશાળા પણ બનાવી આપી. ૧૯૩૪માં બોસ્ટન સોસાયટી ફોર સાઈકિક્લ રીસર્ચ ખાતે જોસેફ ર્હાઈન તરફથી એક નાનો અક્ષર-આલેખ પ્રસિદ્ધ કરાયો. ઈએસપી (ESP) એનું આખું રૃપ થાય એકસ્ટ્રા સેન્સરી પર્સેપ્સન (Extra Sensory Perception).  એટલે કે ઈન્દ્રિયાતીત જ્ઞાાન કે અતીન્દ્રિય અનુભવ. ટેલિપથી તથા અન્ય ચૈતસિક શક્તિઓના સંશોધન માટે એ પ્રયોગશાળા મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બની રહી.

ડો. ર્હાઈન અને તેમના પત્ની જે પ્રયોગો કરતા તેમાં જેકી ગ્લીસનને પણ રસ પડયો. ઊંધા રાખેલા કાર્ડ નીચે કઈ સંજ્ઞાા હશે તે ધારવા માટે પ્રયોગ કરનારાને કહેવામાં આવતું. સામાન્ય રીતે મોટાભાગના માણસો પચીસમાં પાંચ-છ કાર્ડ સાચી રીતે ધારી શકે. પરંતુ ર્હાઈનના પ્રયોગોએ દર્શાવ્યું કે ઈન્દ્રિયાતીત અનુભૂતિ કે પ્રત્યક્ષીકરણની વિશિષ્ટ શક્તિ ધરાવનાર લોકો પચીસમાંથી સોળ કાર્ડ સાચા ધારી શકતા હતા. કેટલાક લોકોમાં એવી શક્તિ હતી કે જે કાર્ડ ધારવાનું કહેવામાં આવતું હોય તે પછીનું કાર્ડ કયું હશે તે ઘણી અસરકારક રીતે કહી શકતા હતા. ર્હાઈનની જેમ ડો. રીશના પ્રયોગોમાં પણ ગ્લીસનને રસ પડયો. મનોવિજ્ઞાાની ડો. રીશના પ્રયોગોમાં ભાગ લેતી એક યુવતી પચીસમાંથી અઢાર કાર્ડ સાચા ધારી શકતી હતી. આંકડાશાસ્ત્રની દષ્ટિએ લાખોમાં એક કહી શકાય તેવી શક્યતા આ યુવતીએ એક પ્રયોગમાં સિદ્ધ કરી હતી. ૭૪ વાર કાર્ડનો સેટ ધારીને કાર્ડ કહેવાના એક પ્રયોગમાં તેણે ૨૫માંથી ૨૫ કાર્ડ સાચા ક્રમમાં કહી બતાવ્યા હતા.

ર્હાઈન અને રીશના પ્રયોગોથી પ્રેરાઈને ગ્લીસને પણ મનની શક્તિઓ જાણવા જાતે જ પ્રયોગો કર્યા હતા. તેણે કરેલો હિપ્નોસિસનો પ્રયોગ તો આશ્ચર્યજનક હતો. ગ્લીસને એક વ્યક્તિને સંમોહિત કરી ખુરશી પર બેસાડીને બાજુના ઓરડામાં બીજી એક વ્યક્તિના હાથમાં લખાણવાળો કાગળ આપ્યો. તે પછી ગ્લીસને સંમોહિત થયેલ વ્યક્તિને આદેશ આપ્યો, 'તારે એવું અનુભવવાનું છે કે તું બાજુના ઓરડામાં ગયો છે. ત્યાં જઈને ત્યાં બેઠેલ વ્યક્તિના હાથમાં જે લખેલો કાગળ છે તે તારે વાંચવાનો છે. તે પછી તેમાં શું લખેલું છે તે અમને જણાવવાનું છે.' સંમોહિત વ્યક્તિએ પોતાની ખુરશી છોડયા વિના જ કાલ્પનિક રીતે બાજુના ઓરડામાં જઈ તે કાગળ વાંચી લીધો અને તેમાં જે લખ્યું હતું તે અક્ષરશઃ બોલી બતાવ્યું.
તે પછી ગ્લીસને સંમોહનને લગતા અન્ય પ્રયોગો પણ કર્યા હતા. દૂરના અંતરે ભોજન લેતી વ્યક્તિઓની પ્લેટમાં ખાવાની કઈ કઈ વસ્તુઓ પડેલી છે તેની માહિતી પણ સંમોહિત થયેલી વ્યક્તિ આપી દેતી. જેકી ગ્લીસન ખાસ સુચના આપીને દરેકની પ્લેટમાં અલગ અલગ પ્રકારની વાનગી પીરસાવવાનું જ કહેતો. રોજિંદા ભોજન કરતાં તે જુદા જુદા પ્રકારની જ વાનગી પીરસાવતો. તેમ છતાં સંમોહિત વ્યક્તિ દૂરથી જ તેની સાચી માહિતી આપી દેતી. જેકી ગ્લીસનના પ્રયોગો જ્ઞાાત અને અજ્ઞાાત એવી મનની અનેક શક્તિઓનો પરચો કરાવે છે. આના આધારે મનોવિજ્ઞાાનીઓ કહે છે કે માનવ મનના રહસ્યો અતાગ છે. ગ્લીસને એક વાર લખ્યું હતું, 'હું માનું છું કે સભાન મનની નીચે શક્તિનો વિશાળ જથ્થો સંતાયેલો પડયો છે. સંશોધનના અભાવે અત્યારના તબક્કે આ શક્તિનું સ્વરૃપ સ્પષ્ટ થયું નથી. તેથી તેનું નામ આપવું મુશ્કેલ છે.' બીજા એક પ્રયોગની વાત પણ એના શબ્દોમાં જ જોઈએ, 'એક માધ્યમને મેં મારા ઘેર આમંત્રિત કરેલ. તેણે તન્દ્રામાં જઈ અંધકાર થયો ત્યારે કહ્યું હતું કે તે છાતી પર સખત વજન અનુભવે છે. કોઈ અતિ વજનદાર વસ્તુ ઉપાડતો હોય તેમ લાગે છે. મેં બીજે દિવસે સવારે મારા રૃમમાં જોયું તો ખબર પડી કે મારો કેટલાય ટનનું વજન ધરાવતો રેકોર્ડિંગ સેટ તેના મૂળભૂત સ્થાનેથી ઉંચકાઈને દૂર મુકાઈ ગયો હતો!'

માનવ મનમાં અગાધ શક્તિ પડેલી છે. અવચેતન મનની ગ્રહણ શક્તિ માન્યામાં ન આવે તેવી છે. પ્રયોગશાળામાં થયેલા કેટલાક પ્રયોગોની વાત કરીએ. પ્રોજેક્ટરની મદદથી સેકન્ડમાં ચોવીસ ફોટો ફિલ્મ પડદા પર પાડવામાં આવે તો તે ગતિમાન સ્વરૃપે દેખાય છે. દરેક ફિલ્મ પડદા ઉપર સ્થિર અને એક પછી એક પડતી હોવા છતાં ચોક્કસ ઝડપે પડતી હોવાથી ગતિશીલ દેખાય છે. આવી ચોવીસ ફોટો ફિલ્મ પછી તેની સાથે સંકળાયેલી ના હોય તેવી કોઈ જાહેરાત પચ્ચીસમી ફિલ્મ પર હોય છે. સેકન્ડના બહુ થોડા ભાગ માટે તે પડદા પર આવે છે. તે એટલી ઝડપથી પસાર થઈ જાય છે કે ચિત્ર જોનાર તેનાથી સભાન હોતો નથી. તેના સભાન મનને કંઈ યાદ હોતું નથી છતાં તેના અવચેતન મન પર પચ્ચીસમી ફોટોફિલ્મ પર દર્શાવાયેલી માહિતી કે સૂચના યાદ રહી જાય છે. આશ્ચર્યની વાત એ છે કે અજાણ પણે અવચેતન મન પર પડેલ તે સૂચનને અનુસરીને જ તે વર્તન કરે છે. માનો કે તેને અમુક પ્રકારનો સાબુ વાપરવાનું સૂચન કર્યું હોય તો તે અનેક સાબુમાંથી સૂચન પ્રમાણેનો જ સાબુ પસંદ કરે છે. તેને આ સાબુ પસંદ કરવા માટે ક્યારે સૂચન થયું હતું તેની કશી ખબર હોતી નથી.

મોસ્કોની 'હ્યુરીસ્ટીક લેબોરેટરી'ના વડા ડો. પુશ્કીને આ દિશામાં ખૂબ કામ કર્યું છે. તેમણે આ પ્રયોગો સહેજ જુદી રીતે કર્યા. ડો. પુશ્કીને પ્રયોગશાળામાં બેઠેલી વ્યક્તિને થોડી આકૃતિઓ બતાવી તે યાદ રાખવા કહ્યું. પછી પડદા પર ફિલ્મના ચિત્રો પડવા લાગ્યા. લીલા ઘાસમાં રેન્ડીઅર ચરતાં હતાં. પશ્ચાદ્ ભૂમિકામાં સુંદર ટેકરીઓ દેખાઈ રહી હતી. આ સુંદર ચિત્રો જોવામાં પ્રયોગપાત્ર તલ્લીન થઈ ગયો. ચિત્ર-નિદર્શન બંધ થયું પછી તરત જ તેને ફરીથી પૂછ્યું, તેં ફિલ્મ ચિત્રો જોતો હતો ત્યારે બીજી કોઈ આકૃતિ જોઈ હતી? તો તેણે ના પાડી. તે પછી તેને થોડી આકૃતિઓ બતાવવામાં આવી અને તેમાંથી કોઈ એક આકૃતિ પસંદ કરવાનું કહેવામાં આવ્યું. તો તેણે 'ક્રોસ'ની આકૃતિ પસંદ કરી. ડો. પુશ્કીને રેન્ડિયરની ફિલ્મ ચાલતી હતી ત્યારે સેકન્ડના સોમા ભાગ માટે થોડા સમયના અંતરે પડદા પર 'ક્રોસ'ની આકૃતિ પાડી હતી. આટલા ઓછા સમય માટે પણ પડદા પર પડેલી આકૃતિ 'અવચેતન મને' ગ્રહણ કરી લીધી હતી અને અનેક આકૃતિઓમાંથી એક આકૃતિ પસંદ કરવાનું કહેવામાં આવ્યું ત્યારે 'ક્રોસ'ની આકૃતિ જ પસંદ કરી. આ બતાવે છે કે અવચેતન મન પર પડતા સૂચન કે માહિતીની વ્યક્તિના વર્તન પર કેવી ભારે અસર પડે છે!

ડો. પુશ્કીને બીજા એક પ્રયોગમાં થોડા કોયડા આપ્યા તે પછી સુંદર ફિલ્મ બતાવી. કોયડાના જવાબ વિચારવાનો પણ સમય આપ્યા વિના જ તે ફિલ્મ બતાવી હતી. ફિલ્મ પૂરી થયા બાદ ફરી પહેલા પૂછ્યા હતા તે કોયડા પૂછી તેનો જવાબ આપવા કહ્યું તો તેણે બધાના સાચા જવાબ કહ્યા. તે વ્યક્તિને ખુદ આશ્ચર્ય થયું કે આવા અઘરા કોયડાના સાચા જવાબ તેણે કઈ રીતે કહ્યા? કેટલાકના જવાબ તો તેને આવડતા જ નહોતા! આનું કારણ એ હતું કે ડો. પુશ્કીને ફિલ્મ ચાલતી હતી ત્યારે થોડા થોડા અંતરે અત્યંત ઝડપથી કોયડાના જવાબ સૂચવતા ચિત્રો સમાંતર રીતે રીતે પડદા પર પાડયા હતા. સુંદર ફિલ્મ જોવામાં મગ્ન વ્યક્તિનું એ જવાબવાળા ચિત્રો તરફ જરાય ધ્યાન જતું નહીં, પણ એનું 'અવચેતન મન' તેને જોઈ લેતું અને તે જવાબો ધ્યાનમાં રાખી લેતું હતું. મનોવિજ્ઞાાનીઓ કહે છે કે માનવીનું 'અવચેતન મન' ગજબનાક શક્તિ ધરાવે છે. આપણે જો એનો સાચી દિશામાં ઉપયોગ કરીએ તો તેનો કેટલો બધો લાભ લઈ શકીએ!

Monday, 2 September 2013

'જુરાસીક પાર્ક' 'ઈન પેટ્ટીડીશ'

સ્ટીવન સ્પીલબર્ગની ફિલ્મ ''જુરાસીક પાર્ક'' હવે 3D માં રજુ થઈ ચુકી છે. જુરાસીક પાર્ક ફિલ્મ સીરીઝમાં અત્યાર સુધી ત્રણ ફિલ્મો આવી ચુકી છે. ચોથી ફિલ્મ એપ્રીલ-૨૦૧૪માં રજુ થવાની હતી પરંતુ તે ૨૦૧૫માં રજુઆત પામશે તેવું લાગી રહ્યું છે. ''જુરાસીક પાર્ક'' નામ કાને પડે એટલે ચાર વાત યાદ આવી જાય. ફિલ્મનાં ખૂંખાર ડાયનોસૌર ટી-રેક્સ, સ્ટીવન સ્પીલબર્ગ, સાયન્સ ફિકશન રાઈટર અને જુરાસીક પાર્કની જનેતા માઈકલ ફાઈટન અને લોકપ્રિયતાનો ઉંચો માપદંડ ધરાવતો ફિલ્મનો વકરો ફિલ્મની મુખ્ય કમાલ ''ડાયનોસૌર'' અને વિજ્ઞાન જગતમાં જુરાસીક પાર્ક બાદ થયેલ 'ધમાલ'ની નવા માહિતી અને સંશોધનને જાણવા-માણવામાં કદાચ જુરાસીક પાર્ક- 3Dનો આનંદ બેવડાઈ શકે છે. વિજ્ઞાન અને ફિલ્મ વચ્ચે વાસ્તવિકતાને લઈને અનેક સવાલો વૈજ્ઞાનિકો કરે છે! પરંતુ સ્પષ્ટ હકીકત એ છે કે ફિલ્મી વાસ્તવિકતા પણ સાયન્સ ફિકશનની 'ફ્યુચર રીઆલીટી' ઉપર આધારીત છે. જુરાસીક પાર્ક પહેલીવાર ૧૯૯૩માં રજુઆત પામી ત્યારે વિજ્ઞાન જગતને ખળભળાવી નાખનાર ''ડોલી ધ શીપ'' ક્લોનીંગ ટેકનોલોજી વાસ્તવિકતા બની ન હતી. ફિલ્મ રીલીઝનાં ત્રણ વર્ષ બાદ ઈઆન વિલ્મુર અને સાથીઓએ 'ડોલી' નામની ઘેટીનું ક્લોનીંગ કરી બતાવ્યું હતું. જુરાસીક પાર્ક ફિલ્મના પાયામાં આવી જ ઘટના છે. અજગરમાં કેદ થયેલ કરોડો વર્ષ પહેલાંનાં મચ્છરનાં પેટમાં પડેલ લોહીમાંથી ડાયનોસૌરનાં DNA અલગ તારવવામાં આવે છે. (મચ્છરે ડાયનોસૌરને ડંખ મારી તેનું લોહી પીધું હોવાનું આપણે અનુમાન કરી લેવાનું) તેમાં ખૂટતું જીનેટીક મટીરીઅલ્સ વૈજ્ઞાનિકો ઉમેરે છે અને કોસ્ટારિકાનાં કિનારે આવેલા જંગલોમાં એક જુરાસીક પાર્ક ઉભો થાય છે. ડાયનોસૌર અને વિજ્ઞાનની જુગલબંધીનું અનોખું પ્રકરણ અહીં આલેખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

વૈજ્ઞાનિક ડૉ. ડેવીડ હોન શું કહે છે ?

સામાન્ય માનવીનો ડાયનોસૌરને લગતો ખ્યાલ મોટાભાગે 'જુરાસીક પાર્ક' આધારીત હોય છે. જેની સ્પેશીઅલ ઈફેક્ટ અને વાસ્તવિક લાગે તેવાં કોમ્પ્યુટર જનરેટેડ ડાયનોસૌર લોક દિમાગમાં છવાએલા છે. ૨૦ વર્ષ પહેલાંની ફિલ્મ ટેકનોલોજી અને, પોનીઓનોલોજી (પ્રાચીન પ્રાણીશાસ્ત્ર વિદ્યા) બંને કુદકે ને ભુસકે આગળ વધી છે. ફિલ્મમાં દર્શાવેલ ટી-રેક્ષ ઉપર હવે વૈજ્ઞાાનિકો ઘણા સવાલ ઉઠાવી શકે છે. એક દાયકા પહેલાં ચાઈનીઝ વૈજ્ઞાાનિકોએ ડાયનોસૌરનાં એવાં જીવાશ્મી શોધી કાઢ્યા હતાં જેને પીંછા હતાં. તે પછી ચીન, જર્મની, કેનેડામાંથી મળેલાં જીવાશ્મીઓને પણ પીંછા હતાં. ડાયનોસૌરની આ લાઈનેજને વૈજ્ઞાાનિકો, થેરાપોડ્સ કહે છે. જેમાંના મોટાભાગનાં ડાયનોસૌર માંસાહારી હતાં. શક્ય છે કે છીંકણી-લીલી ખાલ ધરાવતાં ટી-રેક્ષ પણ હકીકતમાં શાહમૃગ જેવાં રુંછાથી ભરાવદાર હોય. જુરાસીક પાર્કમાં 'રેપ્ટોરસ' તરીકે બનાવાએલા ડાયનોસૌર 'વેલોસીરેપ્ટોર' છે. મનુષ્યનાં કદનાં અને ટોળામાં ફરી શિકાર કરતાં ડાયનોસૌરની ''પેકહન્ટંર'' (ટોળામાં શિકાર કરનારાં)ની પ્રકૃતિનું આલેખન માઈકલ ફાઈટનને આભારી છે. હકીકતમાં બે નજીકનાં ડાયનોસૌરની જાતોનાં જીનશ્મીએ એકબીજાની સાથે અથવા નજીક નજીક મળે તેનો અર્થ એ નથી થતો કે તેઓ એક જ સમયકાળમાં સાથે જીવતાં હતાં. વેલોસીરેપ્ટર્સ ખરેખરમા ફિલ્મમાં દર્શાવેલ કદ કરતાં અડધા, અને અન્ય ડાયનોસૌર કરતાં વધારે તેજ દિમાગ હતાં પરંતુ, આજનાં વાંદરા કે પક્ષીઓની તુલનામાં વધારે બુદ્ધિશાળી ગણી શકાય નહીં. ડાયનોસૌરનાં રંગ અને ચામડીની પેટર્નની આપણે કલ્પના કરવી રહી. કરોડો વર્ષ પ્રાચીન જીવાશ્મીઓ ઉપરથી તેમના બાહ્ય દેખાવની માહિતી મળવી મુશ્કેલ છે. કેટલાંક જીવાશ્મીઓમાં 'મેલાનોસોમ્સ' નામનાં અતી સૂક્ષ્મ કણો છે જે રંગ સાથે સંકળાએલાં છે. માઈક્રોરેપ્ટર નામનાં ઉડતાં ડાયનોસૌરનો રંગ આજનાં 'કાગડા'ને મળતો આવે તેમ છે. આ વિષયમાં ખૂબ સંશોધન બાકી છે. ડાયનોસૌર કેવો અવાજ કરતાં હતાં એ પણ કલ્પનાનો વિષય છે. ફિલ્મમાં ત્રાડ, ચીસ અને ક્લીક ક્લીક કરનારાં ડાયનોસૌર બાબતે ફિલ્મી આવૃત્તિ કદાચ ખોટી પણ હોઈ શકે. ડાયનોસૌરનાં અશ્મીઓમાં રહેલ કાનની આંતરીક રચના ઉપરથી તેઓ કેવાં પ્રકારનો અવાજ સાંભળતાં હતાં તેની માહિતી મળી શકે. ડાયનોસૌરનાં ડિએનએની સંપુર્ણ સિકવન્સ મળી રહે તો પણ તેનાં 'ક્લોનીંગ'ને અનેક સમસ્યાઓ નડી શકે.

ડાયનોસૌરને ફરી જીવતાં કરવા શક્ય છે ?

૧૯૯૩માં જુરાસીક પાર્કની સફળતા બાદ, સ્પીલબર્ગનાં ટેકનીકલ એડવાઈઝર અને ફિલ્મનાં પાત્ર સામનેઈલનાં પ્રેરણાસ્ત્રોત જેવાં જેક હોર્નરે જાહેર કર્યું હતું કે ''આપણે ડાયનોસૌરને ફરી જીવતાં કરી શકીએ તેમ છીએ. આપણી પાસે તેમનું પ્રાચીન 'ડિએનએ' છે.'' તેમની આ વાત ત્યારે ફિલ્મી વતેસર જેવી લાગતી હતી. બે દાયકા બાદ, પરિસ્થિતિ બદલાએલી છે. ડાયનોસૌરને બાજુમાં રાખીએ તો દસ હજાર વર્ષ પહેલાં નાશ પામેલ ''વૃળી મામોથ'' (રૃછાળાં વિશાળકાય હાથી જેવું પ્રાણી)ને ક્લોનીંગ વડે પેદા કરી શકાયું નથી. જેનું ડીએનએ ખૂબ જ સારી રીતે સચવાયેલું છે. વૈજ્ઞાાનિકો પ્રયોગો કરી રહ્યાં છે પરંતુ તેને બીજા પાંચ વર્ષ લાગે તેમ છે. અત્યાર સુધી સારી રીતે સચવાએલ ડીએનએ સાત લાખ વર્ષ પ્રાચીન ઘોડાનું છે. જ્યારે ડાયનોસૌર ૬.૫૦ કરોડ પહેલાં થઈ ગયાં. તેનું ડીએનએ, તેમનાં પુનઃ જન્મ માટે ઉપયોગી ન પણ બને. માની લો કે તેમને પુનઃજીવીત કર્યા બાદ પણ તેમને અનુરૃપ ઈકો-સીસ્ટમ અત્યારે ઉપલબ્ધ નથી. પેદા થયેલા આવા પ્રાણીને પ્રાણી સંગ્રહાલયમાં શોભાના ગાંઠીયા માફક સાચવવા પડે અને તેમને મર્યાદીત કૃત્રીમ આહાર પર જીવતાં રાખવા પડે. કેટલાંક વૈજ્ઞાાનિકો માને છે કે પક્ષીમાં રહેલ ડાયનોસૌરનાં નિષ્ક્રીય જનીનોને સક્રીય બનાવી થેરાપોડસને ફરી જીવતાં કરી શકાય.

ડાયનોસૌરનાં વજનનો વૈજ્ઞાનિક અંદાજ ખોટો છે ?

યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટરનાં વૈજ્ઞાનિકોએ લેસર ટેકનોલોજી વાપરીને ડાયનોસૌરનાં જીવાશ્મીઓનું કદ અને વજન ગણવાની વૈજ્ઞાાનિક પદ્ધતિ વિકસાવી છે. આ ફોર્મ્યુલા પ્રમાણે વૈજ્ઞાાનિકોએ વિશાળકાય બ્રોકીઓસૌરનું વજન કાઢતા ૨૩ ટનનું માલુમ પડયું છે. વૈજ્ઞાાનિકોએ તેને ૮૦ ટનનાં વજનનો અંદાજ મુક્યો હતો. માત્ર એકાદ પ્રયોગ અથવા કોમ્પ્યુટર મોડેલનાં આધારે એમ કહેવું અતિશયોકતીભર્યું છે કે ''વજનનો વૈજ્ઞાાનિક અંદાજ ખોટો છે.'' છતાં એક શક્યતા એ પણ છે કે, ''આપણો ડાયનોસૌરનાં વજનનો અંદાજ તેનાં વાસ્તવિક કદ સાથે મેળ ખાય છે કે નહીં તે જાણવાનો બીજો કોઈ રસ્તો પણ નથી.'' ડૉ. બીલ સેલર કહે છે કે ''અમારી પદ્ધતિ ડાયનોસૌરનાં વધારે ચોકસાઈભર્યા માપ આપે છે. અત્યારે જીવતાં રેનડિઅર, પોલાર રીંછ, જીરાફ, હાથી વગેરેનાં હાડપીંજરને કોમ્પ્યુટર મોડેલ વડે ગણતાં 'બોડી માસ' મળે છે. તેનાં કરતાં હાલનાં આ પાણી ૨૧ ટકા વજન વધારે ધરાવે છે. આ કોમ્પ્યુટર મોડેલમાં બાહ્ય ચામડીની જાડાઈ લઘુતમ લેતાં આ વજન મળે છે. આ હિસાબે એક શક્યતાં એ છે કે ડાયનોસૌરનું વજન ધાર્યા કરતાં ઓછું પણ હોય.''

ડાયનોસૌર ઈંડા મુકતાં હતા, માટે તેમનું નિકંદન નીકળી ગયું ?

બ્રિટન રોયલ સોસાયટીની જર્નલ, 'બાયોલોજી લેટર્સ'માં પ્રકાશીત સંશોધન કહે છે કે ઈંડા મુકનારાં વિશાળકાય ડાયનોસૌરની બધી જ પ્રજાતિઓ કરોડો વર્ષ પહેલાં પૃથ્વી પરથી નાશ પામી છે, જ્યારે સીધા જ બચ્ચાને જન્મ આપનારાં સંસ્તન પ્રાણીઓ હજી ટકી રહ્યાં છે. ડાયનોસૌરનાં ઈંડાનું કદ તેમની કાયાનાં પ્રમાણમાં નાનું હતું. ઈંડામાંથી બહાર નીકળનારાં બચ્ચાનું વજન બેથી દસ કીલો જેટલું રહેતું હતું. જ્યારે પૂર્ણ વિકસીત અવસ્થામાં તેમનું વજન ૩૦ થી ૫૦ ટન જેટલું થતું. આ બે બીદુ વચ્ચેનો શારીરિક વિકાસ તેમનાં અસ્તિત્વ માટેનો સવાલ બની ગયો હશે. વૈજ્ઞાાનિકો માને છે કે ૬.૫૦ કરોડ વર્ષ પહેલાં ભૂમિ ઉપર વસનારાં ડાયનોસૌર વિનાશ પામ્યા હતા. ભિંગડાવાળા અને સરીસૃપ ડાયનોસૌર, પૃથ્વી સાથે વિશાળકાય ઉલ્કા અથડામણ પહેલાં નાશ પામ્યા છે. બાદમાં તે વિશે વૈજ્ઞાાનિકોમાં મતભેદ છે. ટાઈટેનોસૌર નામનાં કરોડરજ્જુવાળા ડાયનોસૌર તેનાં તાજા જન્મેલાં બચ્ચા કરતાં વજનમાં ૨૫૦૦ ગણાં ભારે હોય છે. જ્યારે આજનાં હાથી તેમનાં બચ્ચા કરતાં ૨૨ ગણાં ભારે હોય છે. કદ/વજનનો ગુણોત્તર ડાયનોસૌરનાં નામશેષ થવા પાછળનું એક કારણ બની શકે છે.

કરોડો વર્ષ બાદ પણ ડાયનોસૌરનું DNA જળવાઇ રહે ખરૃ ?

વૈજ્ઞાાનિકો માને છે કે, ''જુરાસીક પાર્કમાં જે રીતે DNAમાંથી ડાયનોસૌરને જીવંત કરવામાં આવે છે, એ રીતે વાસ્તવિક 'જુરાસીક પાર્ક'નું સર્જન કરવું મુશ્કેલ છે. પશ્ચિમ ઓસ્ટ્રેલિઆનાં મર્ડોક યુનીવર્સિટીનાં વૈજ્ઞાાનિકો એ તારણ ઉપર આવ્યા છે કે DNA ૬૮, લાખ વર્ષ કરતાં વધારે લાંબો સમય સચવાઈ શકે નહીં. ડાયનોસૌરને નેસ્તનાબુદ થયાને ૬.૫૦ કરોડ વર્ષ થઈ ગયાં છે. વૈજ્ઞાનિકોએ ન્યુઝીલેન્ડનાં ''મોઆ'' પક્ષીનાં હાડકાનું રેડિયો-કાર્બન ડેટીંગ કરતાં અનોખી માહીતી મળી છે. સંશોધકોને જાણવા મળ્યું છે કે, જો ૧૩.૧૦ ડીગ્રી તાપમાને અશ્મીઓ જળવાઈ રહે તો, દર ૫૨૦ વર્ષે DNA ૫૦% બિનઉપયોગી બની જાય છે. જો માઇનસ ૫ ડી.ગ્રી. તાપમાને સાચવવામાં આવે તો, ૬૮ લાખ વર્ષે હાડકામાંથી DNA  સંપૂર્ણ રીતે અદ્રશ્ય બની જાય. જો એકલાખ વર્ષ સુધી જીવાશ્મીઓ ફ્રોઝન (બરફ માફક થિજેલી અવસ્થામાં) રહે તો DNA માંથી ઉપયોગી 'બિટ્સ' અલગ કાઢીને ઉપયોગમાં લઇ શકાય. આ હિસાબે આપણે ધુ્રવ પ્રદેશોમાંથી જો ડાયનોસૌરનાં જીવાશ્મ મેળવવામાં સફળ થઇએ તો, DNA ઉપયોગી બને ખરૃં.''

માઇકલ ક્રાઇટન ઃ અદ્ભૂત ફિકશન રાઈટર

'જુરાસીક પાર્ક' માઇકલ ફાઇટનની આજ નામની સાયન્સ ફિકશન કમ ટેકનો-થ્રિલર કક્ષાની નવલકથા ઉપર આધારીત છે. ૨૦૦૮માં માઇકલનું કેન્સરમાં અવસાન થયું હતું. ૧૯૯૦માં નવલકથા પ્રકાશીત થઇ તે પહેલાં જ માઇકલ ક્રાઇટને ફિલ્મ એડપ્ટેશન માટે પંદર લાખ ડોલર એડવાન્સમાં અને ફિલ્મનાં વકરામાંથી અમુક ટકા માંગી લીધા હતાં. યુનિવર્સલ પિકચર્સે સ્ટીવન સ્પીલબર્ગ માટે ફિલ્મ બનાવવા ૫ લાખ ડોલર વધારાનાં ચુકવ્યા હતાં. ક્રાઇટન ખુદ નોંધે છે કે નોવેલ લાંબી હોવાથી નોવેલનો ૧૦ થી ૨૦ ટકા હિસ્સો જ ઉપયોગમાં લઇ સ્ક્રીનપ્લે લખાઇ હતી. સ્ટીવન સ્પીલબર્ગ કહે છે કે પૃથ્વી પર (ફિલ્મી પડદે) ડાયનાસૌરને ચાલતા કરવાનો શ્રેય માઇકલ ક્રાઇટનને જાય છે. જેણે વિજ્ઞાાનને થિએટ્રીકલ બીગ કોન્સેપ્ટમાં ફેરવી નાખ્યું હતું. માઇકલ ક્રાઇટન વર્ષે દહાડે તેના લખાણોમાંથી ૧૩ કરોડ પાઉન્ડ જેટલી રકમ કમાતા હતાં. સૌથી વધુ સફળ અને કમાણી કરનારા લેખકોમાં તેમનું નામ લેવાય છે. તેમની નવલકથામાં સેકસ્યુઅલ પોલીટીકસ, તબીબી-વૈજ્ઞાાનિક નિતીશાસ્ત્ર, માનવનૃવંશશાસ્ત્ર, પુરાતત્વવિજ્ઞાાન, ખગોળ વિજ્ઞાાન, કવોન્ટમ્ ફીજીક્સ અને મોલેક્યુલર બાયોલોજીનો સમાવેશ થાય છે. એદ્દોમેડાસ્ટ્રેઇન, રાઇજિંગસન, વગેરે પરથી ફિલ્મ બની છે.

ઓસ્ટ્રેલીયન અબજોપતી 'જુરાસીક પાર્ક' ઉભો કરી રહ્યાં છે ?

ઓગષ્ટ ૨૦૧૨માં બ્રિટીશ અખબારોમાં એક સનસનાટીપૂર્ણ સમાચાર છપાયા હતાં કે, ઓસ્ટ્રેલીયન અબજોપતી-ઉદ્યોગપતી વાસ્તવિક ''જુરાસીક પાર્ક'' ઉભો કરવા જઈ રહ્યાં છે. ખાણ ઉદ્યોગનાં કલાઇવ પાલ્મર, ટાઇટેનીક જેવું જહાજ બનાવવાનો પ્રોજેક્ટ હાથમાં લઇ ચર્ચામાં રહ્યાં છે. એ જ કલાઇવ પાલ્મરે, ક્લોનીંગથી ઘેટી પેદા કરનાર વૈજ્ઞાાનિક 'ઇઆન વિલ્મુર' સાથે વાટાઘાટો કરી હતી. જેનો અર્થ છાપાવાળાઓએ કાઠયો કે પાલ્મર રિઅલ લાઇફ જુરાસીક પાર્ક ઉભો કરવા જઇ રહ્યાં છે. વાત કદાચ સાચી પણ હોય. તે સમયે ડાયનાસૌરનાં DNA અને કલોનીંગ ટેકનીકનાં ઉપયોગની મર્યાદાઓ જોતા ઇઆન વિલ્મુરે પ્રોજેક્ટ સફળ ન થાય તેવી સલાહ આપી હોવી જોઇએ. આખરે કલાઇવ પાલ્મરે રોબોટીક જુરાસીક પાર્ક બનાવવાની શરૃઆત કરી દીધી છે. ચીનનાં ૧૦૦ મિકેનિકલ ડાયનોસૌરનાં ઓર્ડર તેમણે આપી દીધા છે. પાલ્મરનાં કુલમ ખાતે સુપર રિસોર્ટમાં આ પાર્ક બની રહ્યો છે. જેમાં ૧૬૫ ડાયનોસૌરને એનીમેટ્રોનીક્સની કમાલ વડે જીવતાં બતાવવામાં આવશે. મગરમચ્છની વિશાળ આવૃત્તિ જેવું ડાયેનોસુચેસનું વર્કીંગ મોડેલ ઇન્સ્ટોલ થઈ ચૂક્યું છે.

જુરાસીક પાર્ક  મજાની માહીતી

હોલીવુડ આઇકન સ્ટીવન સ્પીલબર્ગે 'જુરાસીક પાર્ક'નું ડિરેકશન કર્યું હતું. જેના નામે ઈ.્., સિડાલર્સ લીસ્ટ, જૉસ, સેંવીગ પ્રાઇવેટ રાયન, વગેરેનો સમાવેશ થાય છે. જુરાસીક પાર્કે તેમને નામ અને દામ કમાવી આપ્યા હતાં. આ ફિલ્મની કેટલીક મજેદાર માહીતી આ પ્રમાણે છે.
- જુરાસીક પાર્ક નવલકથા પ્રકાશીત થતાં પહેલા તેનાં હક્કો યુનિવર્સલ પિકચર્સ / સ્ટીવન સ્પીલબર્ગે ખરીદ્યા હતાં.
- કોમ્પ્યુટર જનરેટેડ ઇમેજીનરીમાં આ ફિલ્મ લેન્ડમાર્ક ગણાય છે.
- ફિલ્મ બનાવતા પહેલાં ૨૫ મહીના તેની તૈયારીમાં લાગ્યા હતાં.
- ફિલ્મનું શુટીંગ હવાઇટાપુનાં એક ટાપુ કાઉઆઇ પર કરવામાં આવ્યું હતું. જ્યાં પવનનું તોફાન હરીકેન પસાર થયું હતું. જેનું વાસ્તવિક શુટીંગ ફિલ્મમાં વપરાયું છે.
- જ્યોર્જ બુકાસની કંપની ILMએ ફિલ્મની સ્પેશીઅલ ઇફેક્ટમાં મદદ કરી હતી.
- T- રેક્સને વરસાદમાં દર્શાવતી એક-એક ફ્રેમને કોમ્પ્યુટરમાં રેન્ડરીંગ કરતાં છ કલાક 
લાગતાં હતાં.
- ફિલ્મમાં વેલોસીરેપ્ટર, ટી-રેક્ષ, ડિલીફોસોરેસ, બ્રોકીઓસોરેસ, ટ્રાઇસેરેપ્ટર્સ, જેવી ડાયનોસૌરની પ્રજાતી દર્શાવવામાં આવી છે.
- ફિલ્મ રિલીઝ થયા બાદ તેને કોમીક બુકમાં પણ પ્રકાશીત કરવામાં આવી હતી.
- 'ગાંધી' અને 'ફ્રાય ફ્રિડમ્' જેવી ફિલ્મોનું ડિરેકશન કર્યા બાદ લગભગ ૧૫ વર્ષે રિચાર્ડ એટનબરોએ ફિલ્મમાં એકટીંગ કરી હતી.
- બ્રિટનમાં જુલાઈ ૧૯૯૩માં ફિલ્મનું પ્રિમીયર યોજાયું ત્યારે પ્રિન્સેસ ડાયેના 'ગેસ્ટ ઓફ ઓનર' હતાં. જેને ફિલ્મની બાળ કલાકાર આરીયાનાએ બુકે આપી સ્વાગત કર્યું હતું.

લો કરો વાત ! 'જુરાસીક પાર્ક'માં અંબરમાં  ફસાયેલ મચ્છર 'લોહી' પીતો જ નથી

જુરાસીક પાર્ક મુવીની મજેદાર ટેકનિકલ મિસ્ટેકની વાત એન્ટોમોલોજીસ્ટ/જીવડાંવિશારદ જો કોનવોન કરે છે. 'ગાંધી' ફિલ્મથી ભારતમાં પ્રખ્યાત બનેલ રિચાર્ડ એટનબરો, જુરાસીક પાર્કમાં જ્હોન હેમોન્ડનું પાત્ર ભજવે છે. જે જંગલી ઝાડનાં રેસીનમાં ચોટી ગયેલ મચ્છરનાં આંતરડામાંથી લોહી ખેંચી કાઢે છે. જેમાંથી DNA  અલગ તારવીને જીનેટીક ઇજનેર ડાયનોસૌર પેદા કરે છે. હવે ફિલ્મમાં અંબરમાં (સુકાએલા રેઝીનમાં) જે મચ્છર બતાવવામાં આવે છે તે મચ્છરની જાત છે ટોક્ષોરિન્ચેટ્સ જે એલીફ્રન્ટ મોસ્કીટો / હાથી મચ્છર તરીકે જાણીતો છે. મચ્છરની સૌથી મોટી જાત (કદ પ્રમાણે) યેક્ષોરિયેન્ટ્સ રૃટિલસ છે. મચ્છરની આ પ્રજાતી ડંખ મારી મનુષ્ય કે પ્રાણીનું લોહી ચુસતી નથી. પરંતુ તેનો ખોરાક ફળનો રસ, ફુલોનું મધ, કે મધમાખીનાં મધપૂડા પરથી લટકતાં મધનાં ટીપાં છે. મચ્છર પૃથ્વી ઉપર ૧૭ કરોડ વર્ષ પહેલાંથી અસ્તિત્ત્વ ધરાવે છે. ફિલ્મમાં મચ્છરને વાળવાળી એન્ટેના પણ બતાવી છે જેનો અર્થ થાય મચ્છર 'નર' છે. જે લોહી ચુસે છે તેવા મચ્છરોની જાતમાં પણ માત્ર 'માદા' મચ્છર જ લોહી ચુસે છે. નર નહીં. બીજું જે જીવાશ્મ બતાવવામાં આવે છે તે કોમીનીકલ રિપબ્લીકમાંથી મળી આવ્યાનું જણાવવામાં આવે છે. આ દેશમાંથી આટલાં જુના કોઈ ફોસીલ મળી આવ્યા જ નથી.

મોબાઇલને ટાર્ગેટ

મોબાઇલ વપરાશકારો માટે ચેતવાના સમાચાર એ છે કે મોબાઇલ હેન્ડસેટમાં માલવેરમાં ૩૦ ટકાનો વધારો થયો છે. ત્રણ વર્ષ પહેલાં મોબાઇલ માલવેર વિશે કોઇ ચર્ચા નહોતી થતી. ત્રણ વર્ષ પહેલા જે માલવેર (એક પ્રકારના વાયરસ) સ્માર્ટ ફોન અને ટેબલેટને ટાર્ગેટ કરતા હતા. તે સ્કેમ સોફ્ટવેર તરીકે પણ ઓળખતા હતા. હવે જ્યારે મોબાઇના વપરાશ વધી ગયો છે ત્યારે મોબાઇલ ઇન્સ્ટ્રુમેન્ટને ટાર્ગેટ કરવા વાયરસ પ્રસરાવનારા સક્રિય બન્યા છે. ૩૦૦ જેટલા એન્ડ્રોઇડ માલવેર સક્રિય છે. મોબાઇલ પરથી ઇન્ટરનેટનો ઉપયોગ કરતાં અને ફાયનાન્સીયલ ટ્રાન્ઝેકશન કરનારાઓ માટે આ ચેતવાનો સમય છે. છેલ્લા છ મહિનામાં ૩૦ ટકા માલવેરનો વધારો ચિંતાજનક છે.

ગુગલથી લાભ

ગુગલ એક એવું વિશિષ્ટ ટુલ તૈયાર કરી રહ્યું છે કે જેમ ગુગલ પર હિન્દીમાં લખીને સર્ચ કરવું હશે તો તે ઉપયોગી બની રહેશે. આ નવતર ટુલના ઉપયોગથી ટેબલેટ કે સ્માર્ટફોનથી હિન્દીમાં સર્ચ થઇ શકશે.હિન્દી ભાષાનો ઉપયોગ કરનારા પર્સનલ કોમ્પ્યુટર અને લેપટોપ પર પણ આ ટુલનો ઉપયોગ કરી  શકશે.

આ નવતર સિસ્ટમ હેઠળ ગુગલનું ઇનપુટ ટુલ તેમજ હિન્દીમાં લખશો તેને ગુગલ સર્ચ પર લઇ જશે અને તમે જે શોધવા મથો છો તેમાં મદદ કરશે. ગુગલ હોમ પેજ પરના સેટીંગમાં જઇને સર્ચ સેટીંગ ઉપયોગ કરવો પડેશે. આ સવલત ભારતમાં ખુબ ઉપયોગી થઇ પડશે. હિન્દી વપ રાશકારો સાઉટ પર હિન્દીમાં લખીને સર્ચ કરી શકશે.

નવતર વેબ ટૂલ

સોશ્યલ નેટવર્કીંગ સાઇટ પર હોવું એ ફેશન બનતી જાય છે. પોતે શું છે અને કેવો સ્માર્ટ છે તે બતાવવા પ્રોફાઇલ અને તેના પર મુકેલો પોતાનો ફોટો પણ આકર્ષક રીતે મુકવા પ્રયાસ કરે છે. આ ફોટો માટે ફોટોશોપમાં જઇને અન્ય એડીટીંગ સોફ્ટવેરનો ઉપયોગ કરાય છે પરંતુ ઘણાંને પોતાની ઇમેજ બરાબર ક્રોપ કરતા (કાપતા) પણ નથી આવડતી. જો તમે ફેસબુક, ટ્વીટર, યુ-ટયુબ, ગુગલ- પ્લસ,ફ્લિકર વીડીયો, પ્રિન્ટર ટેસ્ટ, સ્લાઇવ, ટમ્વલર, લિંકડીન, ગ્રેવસ્ટાર, ઝિંગ, વિડીયો, સ્લાઉડ શેર્સ, ફોરસ્કેવર કે એબાઉટ જેવી સોશ્યલ પર આકર્ષક રીતે પ્રોફાઇલ મુકવા માગતા હો અને તેમાં ફોટો પણ આકર્ષક મુકવા માગતા હો તો તમારે તેનું વ્યવસ્થિત એડીટીંગ કરવું જોઇએ. આ માટે ઇન્ટરનેટ પર સોશ્યલ મીડીયા ઇમેજ મેકર નામના 'વેબટૂલ' ઉપલબ્ધ છે. આવા વેબટૂલ આર્શ્ચયજનક પરિણામો આવે છે. જેનાથી તમારી પ્રોફાઇલ, કવર, હેકર ઇમેજ વગેરે તૈયાર થઇ શકે છે. આ વેવટુલ તમારા એક ડઝનથી વધુ લુક આપે છે. સોશ્યલ નેટવર્કીંગની સાઇટ અનુસાર તેની પ્રોફાઇલ બનાવી શકાય છે.અહીં ઇમેજ જેપીજી કે પીએનજી ફોર્મેટમાં તૈયાર થાય છે.

માસ્ટર હેકર્સ

ફેસબુકના વડા માર્ક ઝુકરબર્ગની પ્રોફાઇલ હેક કરનાર પેલેસ્ટાઇનના ખલેલ શેરતેહેની ચારે બાજુથી પ્રશંસા થઇ રહી છે કેમ કે ફેસબુક જ સિક્યોરિટીની વાત કરતી હતી તેની પોલ ખુલ્લી પડી ગઇ છે. ફેસબુકના બોસનું એકાઉન્ટ હેક કર્યા બાદ ગો ફંડની વેબસાઇટ પર તેને ૧૭૮ લોકોએ એકજ દિવસમાં ૧૧,૦૩૫ ડોલર મોકલી આપ્યા હતા.

ફેસબુક એક તબક્કે એમ કહ્યું હતું કે ફેસબુકમાં રહેલી ક્ષતિઓ અર્થાત હેકીંગ કરી બતાવશે તેને ઇનામ આપવામાં આવશે. જોકે પેલેસ્ટાઇનના ખલેલ તો ફેસબુકના બોસની પ્રોફાઇલ હેક કરીને વિગતો બહાર પાડી હતી આ માટે ફેસબુકની અગાઉથી પરવાનગી લેવી જોઇએ એમ ફેસબુકના મેનેજરો માને છે. પેલેસ્ટાઇનના હેકરની ફેસબુકે પ્રશંસા કરવી જોઇતી હતી તેના બદલે તેની ટીકા થઇ હતી.

હકીકતતો એ છે કે ફેસબુકવાળા હેકીંગ સામે રક્ષણની મોટી વાતો કરે છે પણ પેલેસ્ટાઉનના હેકર આગળ ખુલ્લા પડી ગયા હતા.પ્રશ્ન એ છે કે માર્ક ઝુકરવર્ગને પોતાનું એકાઉન્ટ નથી બચાવી શકતા તો ફેસબુક યુજર્સના એકાઉન્ટ કેવી રીતે બચાવી શકશે?

પાંચ અબજ લોકો સુધી પહોંચવા ફેસબુકનું આયોજન

ઇન્ટરનેટ ટેકનોલોજી સાર્પ સંકળાયેલી ટોચની પાંચ કંપનીઓ સાથે ફેસબુકે હાથ મીલાવ્યા છે.ફેસબુકનો એવો પ્લાન છે કે ઇન્ટરનેટનું એક એવું સેટઅપ નવું કરે જેથી ઇન્ટરનેટની સવલત બીજા પાંચ અબજ લોકો સુધી પહોંચાડી શકાય. ફેસબુક internet.org કરવા માગ છે. આ પ્રોજેક્ટમાં ફેસબુક જે પાંચ કંપનીઓ સાથે હાથ મીલાવ્યા છે તેમાં ઓરીકસન, મેડી- એટેક, નોકિયા,ઓપેરા, કોલકોમનો સમાવેશ થાય છે.

ફેસબુકના સીઇઓ જણાવ્યું હતું કે વિકસીત દેશોમાં લોકો ફેસબુક દ્વારા જોડાઈ રહ્યા છે અને નોલેજ ઇકોનોમી ઉભી કરી રહ્યા છે. જ્યારે વિકાસશીલ દેશોમાં ઇન્ટરનેટ સાથે જોડાવવામાં લોકોને જે તકલીફ પડે છે તે નિવારવા પ્રયાસ થશે.

આજે વિશ્વના ૨.૭ અબજ લોકો ઇન્ટરનેટ એસેસ કરે છે. ઇન્ટરનેટ વપરાશકારોમાં વર્ષ ૯૫ ટકાનો વધારો થાય  છે.