Pages

Subscribe:

Blogger templates

Sunday, 4 November 2012

ડેન્ગ્યુ ફીવર એટલે શું ? લક્ષણો ? સારવાર ?

- અભણ વ્યક્તિથી માંડી પૈસાવાળા લોકોમાં 'ડેન્ગ્યુ ફિવર' ષિે અને 'ડેન્ગ્યુ ફિવર' જેને થયો એનું મૃત્યુ જ થાય એવી માન્યતાથી ઘણો ભય વ્યાપી ગયો છે

થોડા જ વખત પહેલાં હિન્દી સિનેમાના 'મુવી મોગલ' અને પ્રખ્યાત રોમાન્ટિક ફિલ્મોના ડાયરેક્ટર સ્વ. યશ ચોપરાનું અવસાન ડેન્ગ્યુ ફિવરથી થયું. રોજ સવારે પેપર વાંચો અને મ્યુનિસિપલ કોર્પોરેશન વર્તમાનપત્રોમાં સમાચાર છાપે કે આજ સુધીમાં ૩૦૦ વ્યક્તિઓએ ડેન્ગ્યુ ફિવરથી જાન ગુમાવ્યો. અભણ વ્યક્તિથી માંડી પૈસાવાળા લોકોમાં 'ડેન્ગ્યુ ફિવર' ષિે અને 'ડેન્ગ્યુ ફિવર' જેને થયો એનું મૃત્યુ જ થાય એવી માન્યતાથી ઘણો ભય વ્યાપી ગયો છે. આ ડેન્ગ્યુ ફિવર વિષે થોડું વિગતે જાણી લઈએ.
ડેન્ગ્યુ ફિવર એટલે શું ?



જગતના 'ટ્રોપીકલ કન્ટ્રીઝ' જેમા ભારત આવે તેમાં ડેન્ગ્યુના વાયરસના ચેપથી થતા રોગ અથવા તાવ તેને 'ડેન્ગ્યુ ફિવર' કહે છે. આ પ્રકારનો તાવ 'ડેન્ગ્યુ' નામના વાયરસ (અતિ સૂક્ષ્મ ચેપી જીવાણુ)થી થાય છે. આ ડેન્ગ્યુ ફિવરની વાયરસ 'એડીસી ઇજીપ્તી' નામના મચ્છરના કરડવાથી ફેલાય છે. વાયરસ ચાર પ્રકારના છે એક પ્રકારના વાયરસ શરીરમાં જાય તો ફરીવાર આ તાવ કે ચેપ જીંદગીભર લાગતો નથી. (લાઇફલોંગ ઇમ્યુનિટી) જ્યારે બીજા પ્રકારથી થોડા વખત માટે ઇમ્યુનિટી મળે છે. બાકીના બે પ્રકાર ખૂબ ખતરનાક છે જે મચ્છર મારફતે શરીરમાં દાખલ થાય તો ભયંકર કોમ્પ્લીકેશન થાય છે. જેમાં મૃત્યુ પણ થઈ શકે છે. આ રોગ માટેનું 'વેક્સીન' હજુ શોધાયું નથી એટલે આ રોગથી બચવાના બે જ રસ્તા છે શરીરની ઇમ્યુનિટી વધારો અથવા/ અને વાયરસવાળા મચ્છર તમને કરડે નહીં તેની કાળજી લો તમે જ તમારી આજુબાજુના વિસ્તારમાં મચ્છર ઉત્પન્ન થાય તેની કાળજી રાખો.
ડેન્ગ્યુ ફિવરના લક્ષણો કયા ?

ડેન્ગ્યુ ફિવરને 'બ્રેક બોન ફીવર' પણ કહે છે. લક્ષણોમાં તાવ, માથુ દુઃખે, સ્નાયુ- સાંધા અને હાડકાનો અતિશય દુઃખાવો. સાદી ભાષામાં કહીએ તો હાડકા તોડી નાખે તેવો (બ્રેક બોન) તાવ. ઓરી નીકળે ત્યારે શરીર ઉપર લાલ ચાઠા (રેશ) થાય. આરામ અને સામાન્ય લક્ષણોની સારવારથી મોટે ભાગે મટી જાય પણ કેટલાકમાં 'ડેન્ગ્યુ હેમરેજીક ફિવર' થાય તે ખતરનાક પરિસ્થિતિ છે જેમાં બ્લીડીંગ થાય અને પ્લેટલેટનું પ્રમાણ ઘટી જાય. બીજી ખતરનાક પરિસ્થિતિને 'ડેન્ગ્યુશોક સિન્ડ્રોમ' કહે છે જેમાં બ્લડપ્રેશર એકદમ ઓછું થઈ જાય અને મૃત્યુ થાય. આગળ જણાવ્યું તે પ્રમાણે 'ડેન્ગ્યુ વાયરસ'નો ચેપ લાગ્યો હોય તેવા દર્દીઓમાં ૧૦ ટકાને કોઈ પણ જાતના લક્ષણ હોતા નથી. કદાચ થોડો તાવ હોય જેને સીઝન પ્રમાણે મેલેરિયા, ટાઇફોઇડ અથવા સામાન્ય વાયરલ ફીવર માની ડોક્ટર સારવાર કરે છે. ૫ ટકા જેટલાને ગંભીર લક્ષણો હોય છે તે પણ લક્ષણો પ્રમાણે સારવાર અને આરામ કરે તો મટી જાય છે. ફક્ત એક કે બે ટકા કમનસીબ લોકોને ગંભીર મૃત્યુ થાય તેવા આગળ જણાવ્યા તેવા 'હેમરેજીક' અથવા 'શોક સિન્ડ્રોમ' ટાઇપના લક્ષણો થાય છે જેનાથી ભાગ્યે જ કોઈ બચી શકે છે.

ડેન્ગ્યુ વાયરસવાળા મચ્છર કરડયા પછી ડેન્ગ્યુ ફિવર થવાનો સમયગાળો ૩થી ૧૪ દિવસ અને ગંભીર પ્રકારના ડેન્ગ્યુ ફિવરમાં ૪થી ૭ દિવસનો ગાળો (ઇન્ક્યુલેશન પીરીયડ) ગણાય છે. આ કારણથી જે લોકો જ્યાં ડેન્ગ્યુ ફિવર હોય તેવી જગાએથી પોતાને ઘેર ૧૪ દિવસ દરમિયાન પહોંચ્યા હોય તેમન જે જગાએ રહેતા હોય તે જગ્યાએ ડેન્ગ્યુ ફિવરના કિસ્સા ના હોય ત્યારે પણ આ ફિવર થઈ શકે છે. બાળકોમાં ડેન્ગ્યુના ચિન્હો મોટી ઉંમરની વ્યક્તિ કરતા ઓછા પ્રમાણમાં હોય છે. તેમની રોગ પ્રતિકારશક્તિ ઓછી હોવાના કારણે ડેન્ગ્યુ વાયરલ ફિવરથી શરદી કે ઉધરસ થાય તેમજ ઉલ્ટી, ઉબકા અને ઝાડા થઈ જાય અને કોમ્પ્લીકેશન પણ થઈ શકે
ડેન્ગ્યુ ફિવરના ખાસ લક્ષણો અને ધ્યાન રાખવા જેવી બાબતો

ખાસ લક્ષણોમાં શરુઆત ૧. ઓચિંતો તાવ આવે સાથે માથુ દુઃખે ખાસ કરીને આંખોની પાછળ બહુ દુઃખાવો થાય. સાંધા અને સ્નાયુનો દુઃખાવો થાય શરીરના હાડકા તૂટી ગયા હોય તેવું લાગે. આ તાવના ત્રણ તબક્કા હોય છે. ૧. ફેબ્રાઇલ જેમાં તાવ ૧૦૪૦ જેટલો વધી જાય માથુ દુઃખે અને આ તાવ બેથી સાત દિવસ સુધી રહે આ વખતે ચામડી ઉપર લાલ ચકામા (રેશ) પહેલા બે દિવસમાં પડે. ચામડી ફીકી પડી જાય અને ૪થી ૭ દિવસમાં મીઝેલ્સ (ઓરી) નીકળે શરીર પર લાલ ટપકા થાય અને ઝીણી લોહીની નળીઓ (કેપીલરીઝ) તૂટી જવાને કારણે ચામડીમાંથી અને મોમાંથી લોહી પણ નીકળે.

બીજો તબક્કો 'ક્રીટીકલ' કહેવાય જેમાં તાવ ખૂબ વધી ગયા પછી ઓછો થાય જે બે દિવસ રહે આ વખતે છાતીમાં (ફેફસામાં) અને પેટમાં પાણી ભરાઈ જાય છે. આનું કારણ આ તાવની અસરથી ઝીણી નળીઓ (કેપીલરીઝ)માંથી પ્રવાહી બહાર નીકળે છે. આ સ્ટેજ વખતે અગત્યના અંગો કામ કરતા બંધ થઈ જાય છે અને હોજરી અને આંતરડામાંથી લોહી નીકળે છે આ બન્ને થવાના કારણે 'ડેન્ગ્યુ હેમરેજીક ફીવર' અને 'ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ' છે. ૩. ત્રીજી સ્ટેજને 'રીકવરી ફેઝ' કહે છે. જે બેથી ત્રણ દિવસ ચાલે છે દર્દીને તાવ ઓછો થાય છે. આ વખતે શરીર પર સખત ખંજવાળ આવેછે. ચામડી ઉખડતી જાય છે આ વખતે મગજમાં પણ પાણી ભરાય છે જેને લીધે દર્દીને આંચકી આવે છે. દર્દી બેભાન થઈ જાય છે અને દર્દીને બે અઠવાડિયા સુધી (સારા થઈ ગયા પછી) સખ્ત થાક લાગે.
ડેન્ગ્યુ ફિવરના દર્દીને થતી બીજી તકલીફો

ડેન્ગ્યુ ફિવરના ગંભીર કેસોમાં લીવર અને મગજ પર અસર થવાથી ભાન ગુમાવી બેસે. યાદશક્તિ જતી રહે અને કોઈકવાર લીવર કામ કરતું બંધ થઈ જાય અને હૃદયમાં ચેપ લાગે.

ડેન્ગ્યુ ફિવર ફેલાય કેવી રીતે ?

આગળ જણાવ્યા પ્રમાણે મચ્છરની એક જાત 'એડીસ ઇજીપ્તી' જે મોટે ભાગે ટ્રોપીકલ કન્ટ્રીઝમાં વિશેષ કરીને હોય છે તેનાથી ડેન્ગ્યુ ફેલાય છે. માનવીનું શરીર ડેન્ગ્યુ વાયરસ માટે 'પ્રાઇમરી હોસ્ટ' ગણાય છે. માદા મચ્છર જે વ્યક્તને ડેન્ગ્યુ ફિવર થયો હોય તેને કરડે એટલે તેના શરીરમાં ડેન્ગ્યુના વાયરસ આવી ગયા હવે આ માદા મચ્છર બીજા તંદુરસ્ત માણસને કરડે ત્યારે તે વાયરસ તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં જાય અને તેને ડેન્ગ્યુ ફિવરના લક્ષણો દેખાય. આ મચ્છર તમારા ઘરમાં અને આજુબાજુ રહેલા કુલરના- કુંડાના પાણીમાં ઇંડા મુકે અને તેમાંથી ઉત્પન્ન થયેલા મચ્છરનો ચેપ તમને લાગે આ સિવાય જેને ડેન્ગ્યુ થયેલો હોય તેવી વ્યક્તિનું લોહી કે કોઈ અંગનું દાન કર્યું હોય ત્યારે ડોનરના શરીરમાં લેનારના શરીરમાં ડેન્ગ્યુના વાયરસ જવાથી ડેન્ગ્યુ ફિવર ફેલાય. આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

ડેન્ગ્યુ ફિવર થવાની વધારે શક્યતા કોને હોય ?

જન્મજાત બાળકો તેમજ નાની ઉંમરના બાળકોમાં રોગ સામે લડવાની શક્તિ ઓછી હોય છે તેથી તેમને તથા શારીરિક રીતે સ્વસ્થ હોય તેવા બાળકોમાં આ રોગ થવાની શક્યતા ૮૦ ટકા જેટલી હોય છે. પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓને આ રોગ થાય તેમ જ જે સ્ત્રીઓ અને પુરુષોને ડાયાબિટીસ અથવા દમ હોય તેમને આ ડેન્ગ્યુ ફિવર થવાની શક્યતા વધારે હોય છે.

ડેન્ગ્યુ ફિવરનું નિદાન કેવી રીતે કરશો

આ રોગ માટે કોઈ લેબોરેટરી ટેસ્ટ ના હોવાથી તેનું નિદાન દર્દીના શરીરના લક્ષણો પરથી થઈ શકે છે. તાવ સાથે આટલા ભયસૂચક ચિન્હો (વોર્નિંગ સાઇન) જેવા કે ૧. પેટમાં દુઃખે, ૨. ઉલ્ટી, ૩. લીવરની સાઇઝ વધવી, ૪. મોમાંથી લોહી પડવું, ૫. લોહીમાં પ્લેટલેટ કાઉન્ટ ઓછો થવો અને ૬. સુસ્તી અને થાક લાગવો વગેરે હોય અને તાવ સાથે આટલા લક્ષણોમાંથી ગમે તે બે લક્ષણો હોય ઉબકા- ઉલટી, ચામડી ઉપર લાલ ચકામા (રેશ) પડવા, શરીર દુઃખવું, લોહીમાં સફેદ કણની સંખ્યા ઓછી થવી અને 'પોઝીટીવ ટુર્નાકેટ ટેસ્ટ' (પાંચ મિનિટ બ્લડપ્રેશર માપવાનો પટ્ટો હાથે બાંધી પ્રેશર ૧૦૦ ઉપર રાખ્યા પછી હાથની ચામડી ઉપર લોહીના લાલ ટપકા ઉપસી આવે તે પ્રકારની પરીક્ષા) આવે તો દર્દીને ડેન્ગ્યુ ફિવર થયો છે તેવું નિદાન થઈ શકે છે. ડેન્ગ્યુ વાયરસ અને બીજા તેના જેવા જ 'ચીકનગુનિયા વાયરસ'નો ચેપ લાગ્યો હોય ત્યારે નિદાન કરવું થોડું મુશ્કેલ પડે છે. ડેન્ગ્યુ ફીવરના જેવા જ લક્ષણો ધરાવતા મેલેરિયા, લેપ્ટોસ્પાઇરોસીસ, ટાઇફોઇડ અને મેઝીન્ગો કોકલ ઇન્ફેક્શનમાં ચોક્કસ નિદાન લેબોરેટરી ટેસ્ટ કરવાથી આ ચાર રોગનું નિદાન નક્કી થઈ શકે છે. ડેન્ગ્યુ ફિવરના નિદાન માટે કોઈ ખાસ લેબોરેટરી નથી આમ છતાં લોહીની તપાસમાં સફેદ કણ (વ્હાઇટ સેલ્સ)ની સંખ્યા ઘટી ગઈ હોય તેમજ પ્લેટલેટની સંખ્યા પણ એકદમ ઓછી થઈ ગઈ હોય ત્યારે એને 'હિમોક્રિટ' તપાસ અને આલ્બુમીનનું માપ ઓછું આવે રોગ વધ્યો હોય ત્યારે 'અલ્ટ્રાસોનાગ્રાફી' તપાસથી જો ફેફસા કે પેટમાં પાણી (ફ્લુઇડ) ભરાયેલું લાગે તો ડેન્ગ્યુ ફિવર છેે તેમ નક્કી થાય

ડેન્ગ્યુ ફિવર થતો રોકવા શું કરશો ?

ડેન્ગ્યુ ફિવરના વાયરસ માટે કોઈ વેક્સીન નથી માટે આ રોગને અટકાવવા તમારે મચ્છરની ઉત્પત્તિ અટકાવવા અને ડેન્ગ્યુ ફિવરના વાયરસવાળા મચ્છર તમને કરડે નહી તેનું ધ્યાન રાખવાનું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ માટે ભલામણ કરી છે. ૧. તમારા રાજ્યના આરોગ્ય વિભાગને અંગે યોગ્ય પગલા લેવા માટે અને જનજાગૃતિ માટે ચોપાનીયા બહાર પાડવા જનતામાં વહેંચવા, પેપરમાં જાહેરાત આપવી. ૨. પબ્લિક અને પ્રાઇવેટ આરોગ્ય મંડળીઓના વોલંટીયર ઘેર ઘેર જાય અને મચ્છરની ઉત્પતિ થતી અટકાવવા માટે ઘરની આજુબાજુ કુંડા કુલર ખાબોચિયા, બાથરૃમમાં ભરેલા પાણીમાં જંતુનાશક દવાઓ નાખે તેમજ ઘરના સોસાયટી- પોળના લોકોને આ રોગની ગંભીરતા સમજાવી સહકાર આપવા કહી ૩. આ રોગના લક્ષણો જે દર્દીમાં દેખાયા હોય તેને આઇસોલેટ (અલગ રૃમમાં રાખી) કરી તેની સારવાર કરવી તેમજ તેને મચ્છર ન કરડે તેનું ધ્યાન રાખવું.

ડેન્ગ્યુ ફિવરના દર્દીની સારવાર કેવી રીતે કરવી ?

આ રોગની કોઈ ખાસ સારવાર નથી એટલે કે વેક્સીન કે એન્ટી વાયરલ દવાઓ નથી માટે સારવાર ફક્ત લક્ષણો પ્રમાણે કરવામાં આવે છે. ૧. પાણી અને બીજા પ્રવાહી, શરબત, ફ્રુટ જ્યુઇસ વગેરે આપવા. ૨. હોસ્પિટલમાં દાખલ કરી આઇ.વી. ફ્લુઇડ કે લોહી સફેદકણ- પ્લેટલેટસ આપવા ૩. શરીરના દુઃખાવા માટે 'પેરાસેેટેેેમલ'ની ગોળીઓ આપવી. ૪. આગળ જણાવેલ ભયસૂચક ચિન્હો જણાય કે તરત નિષ્ણાત ડોક્ટરની સલાહ લઈને દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવો.

અજમાવવા જેવી એક નવી રીત ઃ
ડેન્ગ્યુ ફિવરના દર્દીનો તાવ ઉતરી જાય તો વાયરસ નાશ પામે એવી એક વાત છે. પપૈયાના પાન (કાચા)નો રસ રોજ દર ત્રણ કલાકે એક ચમચો દર્દીને પીવરાવો. પપૈયાના પાનનો ગુણ ઠંડો છે (શીત ધર્મ) તેથી તાવ ઉતરી જશે અને ડેન્ગ્યુ ફિવરના વાયરસ નાશ પામશે આન ેલીધે પ્લેટલેટની સંખ્યા વધશે. સફેદ કણ વધશે અને હિમોક્રીટ પ્રમાણ ઘટશે. પ્રયોગ કરવા જેવો છે.

ફિટનેસ - મુકુંદ મહેતા

0 comments:

Post a Comment