જગતના પદાર્થો અને એની પ્રક્રિયાઓમાં સામાન્ય રીતે એક સરખાપણું જાળવી રાખવાનું કામ કુદરત એક સામાન્ય નિયમરૂપે ટકાવી રાખે છે. પણ કેટલીક વાર કુદરત રૂપી કલાકાર આમાં ફેરફાર પણ કરી નાંખે છે. એવા સમયે આપણી આંખો સામે વિલક્ષણ આશ્ચર્ય અને કૌતુકથી ભરેલી ઘટનાઓ ઉપસ્થિત થાય છે. પદાર્થના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોથી વિપરીત રીતે કામ કરી આ અજ્ઞાત સત્તા ભૌતિક જગત પર પોતાનું નિયંત્રણ સાબિત કરે છે. સામાન્ય રીતે તો આંખ, કાન, નાક વગેરેની રચના એવી કરાઇ છે કે એના થકી ક્રમશઃ જોવાનું, સાંભળવાનું, શ્વાસ લેવા કે છોડવાનું કામ કરાય. પણ કોઇ એમ કહે કે મોંથી શ્વાસ લઇ એને આંખોથી છોડી શકાય તો તે તમને સાચું ન લાગે. પણ આ એક હકીકત છે.
અમેરિકાના મિશિગનમાં એક વ્યક્તિ છે જે આવું કરી શકે છે! એનું નામ છે આલ્ફ્રેડ લાગેવન. એને પોતાને પોતાની આ વિચિત્ર ક્ષમતાની ખબર નહોતી. પણ એક દિવસ તેણે મોંમાં હવા ભરીને ગાલ ફુલાવ્યા તો એને અનાયાસ એવું લાગવા માંડ્યું કે તે હવા એની આંખોમાંથી નીકળી રહી છે. આંખોની આગળ હાથ રાખીને જોયું તો હવાની સ્પષ્ટ અનુભતિ થઇ. ત્યાં ઉપસ્થિત અન્ય લોકોને પણ આનો અનુભવ થયો. ધીરે ધીરે એની આ ક્ષમતાની વાત આખાશહેરમાં પ્રસરી. વિજ્ઞાનીઓ આ માનવા તૈયાર નહોતા. એટલે આપણે એને લગતા પ્રયોગો કરી સાબિતી આપવા કહ્યું. આલ્ફ્રેડે એ માટે તૈયારી બતાવી અને પોતાની શક્તિ પુરવાર કરી બતાવી. આવા એક પ્રયોગ દરમિયાન એક મીણબત્તી સળગાવીને એની જ્યોત એની આંખોની સામે આવેએ રીતે આંખોથી થોડે દૂર ધરી રાખવામાં આવી. તેણે મોંમાં હવા ભરી દીધી પછી તેનું મોં, નાકના છિદ્રો વગેરે બંધ કરી દેવામાં આવ્યા. પછી તેને કહેવામાં આવ્યું કે તેણે આંખથી ફૂંક મારી એ સળગતી મીણબત્તીની જ્યોતને ઓલવી નાંખવી. આલ્ફ્રેડે તે કરી બતાવ્યું. આલ્ફ્રેડની આંખમાંથી હવાનો જોરદાર ઝપાટો બહાર નીકળે છે તે વૈજ્ઞાનિક યંત્રોમાં પણ નોંધાયું.
કુદરતે આપણી આંખોની રચના એવી કરી છે કે આપણને જે વસ્તુ જેવી હોય તેવી દેખાય છે. પણ પેરુમાં કેમ્પા નામની એક આદિવાસી જાતિ રહે છે. કુદરતે એ જાતિના લોકોની આંખોના લેન્સ બીજા બધા લોકો કરતા ઊલટા રાખ્યા છે. એના લીધે એ લોકો દરેક વસ્તુને ઊલટી જ જુએ છે. બીજી બધી રીતે તો એ ટેવાઇ ગયા છે પણ એમને પુસ્તક વાંચવું હોય તો એને ઊલટું રાખવું પડે છે એટલે કે ઉપરનો ભાગ નીચે અને નીચેનો ભાગ ઉપર- તો જ એના અક્ષર એમને સીધા દેખાય છે અને તે વાંચી શકે છે!
આંખોનું જોવાનું કામ શરીરના બીજા અવયવો પણ કરી શકે એવું કોઇ કહે તો તમે માનો ખરા? પણ આ એક હકીકત છે. સોવિયેત રશિયાના ઉરલ્સ નગરમાંથી મોસ્કો શહેરમાં રહેવા આવેલી રોઝા કુલેશોવા નામની છોકરીમાં આવી શક્તિ જોવા મળી હતી. તે આંખોને સદંતર રીતે ઢાંકી આંગળીના ટેરવાથી જોઇને પુસ્તકો, વર્તમાનપત્રો, સામયિકો વાંચી શકતી હતી. રશિયન વિજ્ઞાનીઓએ એની કડક નિયંત્રણો હેઠળ કસોટી કરી હતી. એમાં એની શક્તિ સાચી પુરવાર થઇ હતી. રોઝા પર પ્રયોગો કરનાર અબ્રામ સેમ્યોનોવિચ નોવોમિસ્કી નામના વિજ્ઞાનીએ ‘નિઝની તાગિલ સેકેન્ડરી સ્કૂલ’ના વિદ્યાર્થીઓ પર પ્રયોગો કરી અન્ય બાળકોમાં પણ આંગળીના ટેરવાથી રંગ ઓળખવાની શક્તિ વિકસાવી હતી.
ચીનમાં એવા સેંકડો બાળકો છે જેમનામાં અસામાન્ય ક્ષમતા જોવા મળી છે. તાઈયુઆન શહેરનો ટેન્ગ યુ નામનો બાર વર્ષની વયનો છોકરો કાનથી જોઇ શકતો હતો. માર્ચ ૧૯૭૯માં તેની શક્તિના અહેવાલ છપાયા પછી બીજા બાળકો પણ બહાર આવ્યા જેમનામાં આવી શક્તિ હતી. તે કપાળ, ગાલ, હાથના બાવડા અને પગથી જોઇ શકતા હતા. શાંઘાઇના વિજ્ઞાન સામયિક ‘નેચર’ના ઉપક્રમે ૪-૨-૧૯૮૦થી ૧૦-૨-૧૯૮૦ દરમિયાન આવી શક્તિ ધરાવતા બાળકો અને યુવાન પર સેંકડો જાહેર પ્રયોગો કરાયા અને એમની શક્તિ ચકાસવામાં આવી. ૧૪ બાળકો-યુવાનો પર કરાયેલા આ પ્રયોગોની ફિલ્મ પણ ઉતારવામાં આવી હતી. આ બધા પ્રયોગોમાં એમની શક્તિ સાચી છે એવું સાબિત થયું હતું. ક્વિઆન્ગ વાન્ગ અને બિન વાન્ગ નામની પેકંિગથી આવેલી બે બહેનોએ કાન અને બાવડાથી લખાણ વાંચી બતાવ્યું હતું. આ ૧૪ પ્રયોગપાત્રોને ત્રીસ નિષ્ણાતોની ટુકડીએ તપાસ્યા હતા અને એમની પર પ્રયોગો કર્યા હતા. શાંઘાઇ મેડિકલ કૉલેજના ઈ.એન.ટી. વિભાગના વડા વુ ઝેયુ પહેલાં એમ માનતા હતા કે આવું કદી બની જ ના શકે. આ બાળકો કે યુવાનો કોઇ હાથચાલાકી કે યુક્તિ કરતા હશે. પણ અનેક પ્રકારના કડક પ્રાયોગિક સંશોધનો કર્યા પછી તેમણે કહ્યું- ‘હું હાર માનું છું. આ બધાની શક્તિ બિલકુલ સાચી પુરવાર થાય છે. વાસ્તવિકતા આગળ કોઇ દલીલ થઇ શકે એમ નથી.’ અગિયાર વર્ષની વયના ઝી ઝોહુણ નામના તથા વી રુયાન્ગ નામના છોકરાઓમાં એક્સ-રે જેવી નજર જોવા મળી હતી. તે તેમની દ્રષ્ટિથી કોઇપણ વસ્તુની ભીતર શું છે તે જોઇ શકતા હતા. અમેરિકાની જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના બાયોફિઝિક્સના પ્રાઘ્યાપક ઝેન્ગ રોન્ગલિઆન્ગે શાંઘાઇ ખાતે ભરાયેલ વૈજ્ઞાનિક કોન્ફરન્સમાં આ ૧૪ બાળકોની અસમાન્ય વિલક્ષણ શક્તિઓ નિહાળી હતી.
બેલારુસના ગ્રોદૂનો નગરમાં રહેનારી ઈન્ગા ગાઇદૂજે નામની બાર વર્ષની કિશોરીમાં ચુંબકીય ક્ષમતા જોવા મળી હતી. તેના હાથ ચુંબક જેવું કામ કરતા હતા. તેના હાથને ધાતુની વસ્તુ અડકાડવામાં આવે તો તે ચોંટી જતી હતી. તે તેના હાથ સાથે બે થી ત્રણ કિલોની વસ્તુ અડકાવીને તેને લટકાવી રાખી શકતી હતી. એક પ્રયોગ દરમિયાન તેણે તેના એક હાથ પર પાંચ કિલો વજનની ધાતુની વસ્તુ તથા બીજા હાથ પર પણ એટલા જ વજનની વસ્તુ ચુંબકીય શક્તિ લટકાવી રાખી સાત કલાકથી પણ વઘુ સમય ચાલી બતાવ્યું હતું.
અડસઠ વર્ષના યૂરી કેલ્નિત્સેવ નામના રશિયન પુરુષનું આખું શરીર ચુંબકીય શક્તિવાળું છે. એનું શરીર શક્તિશાળી ચુંબકની જેમ કોઇપણ ધાતુની વસ્તુને પાંચ ફૂટ દૂરથી પોતાની તરફ ખેંચી લે છે. ચમચા, છરી- કાંટા, કાતર, તાવડી, ઈસ્ત્રી વગેરે અનેકવિધ ધાતુની વસ્તુઓ એના શરીર સાથે એવી ચોંટી જાય છે કે એમને ખૂબ તાકાતથી છૂટી પાડીએ ત્યારે જ તે છૂટી પડી શકે છે. ૩૯ વર્ષ સુધી યૂરીએ લોખંડની ખાણમાં કામ કર્યું. પછી ૪૦મા વર્ષે તેના શરીરમાં આવું ભારે ચુંબકપણું પ્રકટ થઇ ગયું હતું. યૂરીની ચિકિત્સા કરનાર ડૉ. સેરગઇ ફ્રૂમિને કહ્યું હતું- ‘માનવીય ચુંબકપણું બહુ આશ્ચર્યની બાબત નથી. લાખો લોકોમાંથી એકાદ માણસમાં એવું ચુંબકપણું આવે છે. પણ યૂરીની હાલત બહુ ભયંકર છે. મનુષ્યના શરીરમાં આટલું શક્તિશાળી ચુંબકપણું અત્યાર સુધીમાં ક્યારેય જોવા નથી મળ્યું!’



0 comments:
Post a Comment