Pages

Subscribe:

Blogger templates

Sunday, 4 November 2012

સૂક્ષ્મ શરીરની અપાર શક્તિઓ

પ્રકાશ એક ઊર્જા છે પણ પોતાના મૌલિક રૂપમાં પદાર્થ પણ છે કેમ કે તે ટુકડાઓમાં વહેંચાઈ જાય છે. આ પ્રકાશ-પરમાણુને ફોટો-સેલ્સકહેવામાં આવે છે. એમનામાં પણ ઇલેકટ્રોન-પ્રોટોન અને ન્યુકિલયસની રચના હોય છે. એનો અર્થ એવો થાય કે આ જગતમાં પ્રકાશથી પણ સૂક્ષ્મ સત્તા અસ્તિત્વ ધરાવે છે.


વસ્તુઓને તો આપણે પ્રકાશની મદદથી જોઈ શકીએ છીએ પણ સાધારણ પ્રકાશ કણોની સહાયથી આપણે શરીરના કોષોને જોઈ શકતા નથી કેમ કે તે અત્યંત સૂક્ષ્મ હોય છે. અતિ શક્તિશાળી ઇલેકટ્રોન માઈક્રોસ્કોપથી જોવામાં આવે તો જ તે દેખી શકાય છે. આ રીતે જ્યારે શરીરના કોષનું નિરીક્ષણ કરવામાં આવે છે ત્યારે તેમાં ટમટમતો પ્રકાશ પણ જોવા મળે છે. ચેતના અથવા આત્માના પ્રકાશનો જ આ નાનો અંશ હોય છે. સોવિયેત રશિયાના ખ્યાતિ પ્રાપ્ત જીવવિજ્ઞાની પ્રો. તારાસોવે એમની પ્રયોગશાળામાં કોષનો પ્રકાશ જોઈને જણાવ્યું હતું કે દરેક કોષ ટમટમતા દીવા જેવો લાગે છે. જેમ બ્રહ્માંડમાં અગણિત ટમટમતા તારા દેખાય છે તેમ શરીરમાં આ કોષો દેખાય છે. તે પરમ ચેતનાની જ્યોતિને ધારણ કરે છે એટલે એમાં જીવન જ્યોત દ્રશ્યમાન થાય છે. આ ચેતના આખા શરીરમાં વ્યાપ્ત છે અને વિચાર તથા ભાવના રૂપમાં પણ પ્રકટ થતી રહે છે. આમ, દરેક વ્યક્તિ સાથે એના વિચાર-ભાવની તરંગ લંબાઈ ચાલતી રહેતી હોય છે. એટલે જ આત્મવાન, પ્રાણવાન, સુવિચારી, સદાચારી વ્યક્તિની પાસે કોઈ જાય તો તેને સુખદ અનુભૂતિ થાય છે અને અનેકવિધ લાભ થાય છે. જ્યારે મંદપ્રાણ, દુર્વિચારી, દુરાચારી વ્યક્તિની નજીક કોઈ જાય તો તેને ઉદ્વેગ, બેચેની, નકારાત્મક વિચારો અને આચાર કરવાનું મન થાય છે. એટલે જ શુભાશુભ વિચાર દૂર સુધી અસર કરે છે. સૂક્ષ્મ રૂપથી આપણી ચેતના વિચાર, સંકલ્પ ભાવના વગેરે રૂપમાં આકાશ તત્ત્વમાં તરંગિત થતી રહે છે. ચેતના અથવા મન સર્વગામી, સર્વદર્શી અને સર્વવ્યાપી છે.


ઊર્જાનું પ્રકાશમાં રૂપાંતરણ થવું એ એક જટિલ કાર્ય છે. પણ વિજ્ઞાનીઓ એ જાણી ચૂક્યા છે કે જ્યારે તે ઊર્જા કોઈ વસ્તુમાં પ્રવેશ કરે છે ત્યારે એના પરમાણુ ઉત્તેજિત થઈ જાય છે પછી જ્યારે થોડા શાંત થઈને પોતાની મૂળ જગ્યાએ પાછા ફરે છે ત્યારે તે શોષેલી ઊર્જાને પ્રકાશના રૂપમાં બદલી નાંખે છે. આ ક્રિયાને સંદીપ્તિતરીકે ઓળખવામાં આવે છે. આ ગુણ જગતના બધા જ પ્રાણીઓમાં જોવા મળે છે. પહેલા લોકો એમ સમજતા હતા કે પ્રકાશ છોડવાનો આ ગુણ-સંદીપ્તિ માત્ર જડ વસ્તુઓનો જ ગુણ છે પણ હવે એ સાબિત થઈ ગયું છે કે આ ગુણ પ્રાણીઓમાં જોવા મળે છે. આગિયાની જેમ કેટલાક સમુદ્રી જીવો પણ પોતાના શરીરમાં એન્જાઈમી ઑક્સીકરણની પ્રક્રિયામાં મુક્ત થનાર ઊર્જાને પ્રકાશમાં રૂપાંતરિત કરી દે છે. આના કારણે જ તે દીવાની જેમ ઝગમગતા દેખાય છે. માદા આગિયો જ્યારે પણ કામોત્તેજિત થાય છે ત્યારે એના શરીરમાં એક જૈવ-રાસાયણિક પ્રક્રિયા ઉત્પન્ન થાય છે. જેમાં લૂસી ફેરસ એન્જાઈમ, લૂસીફિરિન અને એ.ટી.પી. કમ્પાઉન્ડ ભાગ લે છે. એનાથી એક વિશેષ પ્રકારની રાસાયણિક ઊર્જા તરંગ ઉત્પન્ન થાય છે, જેમાં એ માદાની ગંધ પણ સામેલ હોય છે. એટલે જ એને પકડીને નર-આગિયો એ માદા-આગિયા પાસે પહોંચી જાય છે અને એની ઇચ્છા પૂર્ણ કરે છે.


યોગ શક્તિ કે ચૈતસિક શક્તિ દ્વારા દૂર રહેલી કોઈ વ્યક્તિને કોઈ સંદેશો મોકલવો હોય ત્યારે એ વ્યક્તિના શરીરના પરસેવાવાળું કોઈ વસ્ત્ર જરૂરી બને છે. કેમકે એવી ઊર્જા એના મસ્તિષ્કમાં સંપ્રેષિત કરી શકાય અને તેને એવી પ્રભાવિત કરી શકાય કે તે ધાર્યા પ્રમાણે વર્તવા વિવશ બની જાય. આ બઘું શરીરમાં વ્યાપેલી વિદ્યુતના એ સૂક્ષ્મ વિકિરણના પરિણામે સંભવ બને છે. એન્જાઈમ એક પ્રકારના સૂક્ષ્મ નાડી તંતુ છે જે શ્વાસ દ્વારા પ્રાપ્ત પ્રાણવાયુને આખા શરીરમાં પહોંચાડીને જીવન-શક્તિ બનાવી રાખે છે. માનસિક શક્તિઓનું શુદ્ધ પ્રકટીકરણ પણ મોટેભાગે પ્રાણાયામના અભ્યાસ પર જ નિર્ભર છે. પ્રાણાયામમાં વાયુમાં પ્રાપ્ત થનાર પ્રાણ-તત્ત્વ-પ્રાકૃતિક ઊર્જા દ્વારા મનને શુદ્ધ અને તીક્ષ્ણ બનાવવામાં આવે છે.


ડૉ. હર્ટલાઈને ૧૯૬૭માં પહેલીવાર નેત્ર કોશિકાઓમાં ઉત્પન્ન વિદ્યુત આવેગોને ઇલેકટ્રોનિક પ્રયુક્તિથી રેકોર્ડ કરીને દર્શાવ્યું કે પ્રત્યેક કોષમાં એ બિમ્બની બધી જ સૂક્ષ્મ વિલક્ષણતાઓ રંગ-આકાર વગેરે પ્રકટ થઈ. પ્રત્યેક કોષ એક સેકન્ડના પણ કરોડમાં ભાગમાં એ પ્રતિબિમ્બને આગળના કોષમાં સંપ્રેષિત કરી દે છે અને આ રીતે સામે દેખાઈ રહેલ બિમ્બની સૂચના પ્રકાશની ગતિના દરે મસ્તિષ્કના ઑપ્ટિક સેન્ટરદ્રશ્ય સ્થાનમાં પહોંચી જાય છે. આ દ્રશ્યને મન દ્વારા પ્રકૃતિના પ્રાણ વિદ્યુત પ્રવાહમાં સંમીલિત કરી કોઈ દૂર રહેલ વ્યક્તિના મસ્તિષ્કમાં મોકલી શકાય છે. અર્વાચીન વૈજ્ઞાનિક ઉપકરણો આવું કરે જ છે. ઉપગ્રહ સંચાર પદ્ધતિ આનો લાભ ઉઠાવે જ છે. લંડનમાં થતા ફિઝિકલ ઓપરેશનને હજારો માઈલ દૂર ભારતમાં અને અમેરિકામાં જોઈ શકાય છે. આ પ્રણાલિથી કોઈપણ દ્રશ્ય ફોટો-સેલ્સના માઘ્યમથી પૃથ્વીની પરિક્રમા પરિક્રમા કરતા સંચાર ઉપગ્રહ (ટેલસ્ટાર)ને મોકલવામાં આવે છે. તે એ દ્રશ્યને એક નિયત ફ્રિકવન્સી પર આખી દુનિયામાં ફેલાવી દે છે. દૂરદર્શી દ્રશ્યોને નિહાળવાની પાછળ પ્રકાશ-પરમાણુઓ પર પડેલા બિમ્બોને ઊર્જાની એક ધારામાં વહાવીને લાવવા કે લઈ જવા પડે છે. માનવ મસ્તિષ્ક દ્વારા આ કરવાનું હોય ત્યારે એ શક્તિશાળી નિયંત્રિત મન વડે જ થઈ શકે છે. ઘ્યાન અને યોગ મનને નિયંત્રિત કરવાની શ્રેષ્ઠ પ્રક્રિયા છે. બે વ્યક્તિના મન-મસ્તિષ્ક દ્રશ્ય સંદેશાની આપ-લે કરી શકે છે એટલું જ નહીં એને જોઈ અને સાંભળી પણ શકે છે. આ બઘું પ્રકાશ-અણુઓ અને એમાં વ્યાપેલી ચેતનાને કારણે થાય છે.


પ્રકાશ-કણોને નિયંત્રિત કરવામાં આવે તો એવી સ્થિતિ પણ લાવી શકાય છે કે કોઈ વ્યક્તિ કે યંત્ર આપણી ઉપસ્થિતિને પકડી ન શકે ! વિજ્ઞાનીઓએ અત્યારે એવું ઉપકરણ શોઘ્યું છે ઇન્ફ્રારેડલાઈટ ઉત્પન્ન કરીને પ્રકાશ કિરણોના માર્ગમાં આ કિરણોની જાળ ફેલાવી દે છે. એના પરિણામે એ વ્યક્તિ જેની આસપાસ એ કિરણોની જાળ ફેલાવી હોય તેને કોઈ જોઈ શકતું નથી પણ તે બીજા બધાને જોઈ શકે છે ! ભવિષ્યમાં આ ઉપકરણનો ઉપયોગ યુદ્ધમાં કરી શકાશે એવું વિજ્ઞાનીઓ માને છે. પ્રકાશ નિયંત્રણથી વિજ્ઞાનીઓ આ પ્રકારની સિદ્ધિ મેળવી શક્યા છે. એ રીતે યોગસિદ્ધિ પ્રાપ્ત કરનારા યોગીજનો ચેતના નિયંત્રણથી આવી સિદ્ધિઓ મેળવી શકે છે. પગનો ઉપયોગ કર્યા વિના કોઈ સ્થળે પહોંચી જવું, આંખનો ઉપયોગ કર્યા વિના જોઈ લેવું અને કાનનો ઉપયોગ કર્યા વિના સાંભળી લેવું એ બધા સૂક્ષ્મ ચેતનાની શક્તિના ચમત્કારો છે. માનવી ભૌતિક ઉપકરણો અને એની સાધારણ ઇન્દ્રિય શક્તિથી જે કરી શકે છે એના કરતાં એના સૂક્ષ્મ શરીરની ચેતના અને મન થકી એ હજારોગણુ વધારે પ્રત્યક્ષીકરણ અને કાર્ય કરી શકે છે. સિદ્ધયોગ પુરુષો પાસે આવી અસાધારણ શક્તિ હોય છે જે અસંભવ લાગતી બાબતને પણ સંભવ કરી શકે છે.

0 comments:

Post a Comment