મનુષ્ય સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપેલ શક્તિક્ષેત્રનો એક અલ્પ અંશ છે. જેમ પરમાણુની ભીતર પ્રચંડ શક્તિ છે તેમ માનવીની અંદર પણ ચેતના અને મનની પ્રચંડ શક્તિ છુપાયેલી છે. પ્રબળ વિચારશક્તિ અને દ્રઢ સંકલ્પબળથી અસંભવ લાગે તેવા ચમત્કારો પણ સર્જી શકાય છે.
પરામનોવિજ્ઞાન માનવ મનની અસામાન્ય શક્તિઓ (પેરાનોર્મલ પાવર્સ)નો અભ્યાસ કરે છે. પરામનોવિજ્ઞાનીઓ માને છે કે અતીન્દ્રિય શક્તિને લગતી ઘટનાઓમાં જે કોઈ શક્તિ કામ કરી રહી છે તે નિશ્ચિત રીતે ચૈતસિક શક્તિ છે. આ ક્ષેત્રના નિષ્ણાતોએ એ જાણવા સઘન પ્રયત્નો કર્યા છે કે આ શક્તિ કઈ રીતે ઈન્દ્રિયો સાથે સંપર્કમાં આવે છે અને ક્રિયાન્વિત થઈ ચમત્કારો સર્જે છે. કેટલાક મનોવિજ્ઞાનીઓ એવું માને છે કે આ પ્રક્રિયા ઈન્દ્રિયાતીત કે અતીન્દ્રિય છે જ નહિ, તે 'સેન્દ્રિય' છે કેમકે તે મગજ અને ઇન્દ્રિયોથી થતી કામગીરી જ છે. હા, એ બીજા કરતાં અનોખી શક્તિ છે એટલે આપણે તેને 'વિશિષ્ટ સેન્દ્રિય જ્ઞાાન-શક્તિ' (યુનીક સેન્સરી પસેંજશન) કહી શકીએ.

આવા ચૈતસિક ચમત્કારોની બાબતમાં ભિન્ન માન્યતા ધરાવનારા મનોવિજ્ઞાનીઓમાં એક ડૉ. રુથ રેયના નામના મનોવિજ્ઞાની પણ છે. ઘણા વર્ષો સુધી ભારતના પૂના શહેરમાં રહેનારા ડૉ. રુથ રેયનાએ વિજ્ઞાન અને મનોવિજ્ઞાન ક્ષેત્રે ઊંડું સંશોધન કર્યું છે અને એને વિશે પુસ્તક પણ લખ્યું છે. તેમના પી.એચ.ડી.ના મહાનિબંધનું નામ છે - 'ધ ફિલોસોફી ઑફ મેટર ઈન ધ ઍટોમિક એરા.' ડૉ રુથને પોતાને બાળપણથી ચૈતસિક શક્તિનો વિકાસ થયેલો હતો અને તેને આધારે ચમત્કારિક લાગે તેવી ઘટનાઓનો સ્વાનુભાવ થતો રહ્યો હતો. ટેલિપથી, કલેરવોયન્સ પ્રી-કોગ્નિશન અને પીકે જેવી ઘટનાઓને તે ઈન્દ્રિયાતીત અનુભૂતિ નહીં પણ 'વિશિષ્ટ સેન્દ્રિય અનુભૂતિ' તરીકે ઓળખાવે છે. પોતાના ગ્રંથમાં તેમણે પોતાના સ્વ-અનુભવ રજૂ કર્યા છે જે આ પ્રમાણે છે.
''ઈ.સ. ૧૯૩૮ની વાત છે. તે વખતે હું પરિણિત યુવતી હતી અને ખેતરમાં આવેલા ઘરમાં રહેતી હતી. રજાઓ પૂરી થતાં હું પાછી મારા ઘેર આવી ગઈ હતી. મારા પાછા ફર્યે ત્રણેક દિવસો વીતી ગયા હતા. ચોથા દિવસે સવારે ૭ વાગે હું ઊઠી ત્યારે મને એક વિચિત્ર લાગણી સતાવવા લાગી. મારા મનમાંથી સતત એક જ અવાજ આવતો હતો -'' તું તારી મા પાસે ફરી પાછી જા. આજે અને અત્યારે જ એને મળવા અહીંથી નીકળી જા.' મારી અંદર મા પાસે પાછા જવાની ઉત્કટ અને અદમ્ય ઇચ્છા ઉદ્ભવી. જો કે આ માટે કોઈ દેખીતું કારણ નહોતું. હું હમણાં જ માને મળીને આવી હતી. મા બીમાર નહોતી. કુટુંબ પર બીજી કોઈ આપત્તિ પણ આવે એમ નહોતું. છતાં મારી અંદરનો અવાજ સતત બળવત્તર થતો જતો હતો. અંદરથી મા પાસે જવાનું દબાણ વધતું જતું હતું. મેં મારી જાતને રોકવાના ઘણા પ્રયત્નો કર્યા પણ હું એમાં સફળ ના થઈ શકી. મેં અગિયાર વાગ્યાની ટ્રેન પકડી લીધી અને ત્યાંથી પછી આગળની બસ પકડી સાંજે ૭ વાગે માના ઘેર પહોંચી. મને પાછી અચાનક પાછી આવેલી જોઈને મા અને ઘરના સૌ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. પહેલાં તો તેમને એમ લાગ્યું કે મારા પર કોઈ આપત્તિ આવી હશે એટલે એ જણાવવા હું ત્યાં દોડી આવી-હોઈશ ! મેં મારા આવવાનું એટલું જ કારણ જણાવ્યું કે બસ મને અંદરથી એવો અવાજ આવ્યા કરતો હતો કે મારે તમારા ઘેર આજે જ પાછા આવવું. જાણે કંઈ અઘટિત થવાનું હોય એવી મનમાં દહેશત થતી હતી. અહીં બધું બરાબર છે અને સૌ ક્ષેમકુશળ છે એટલે કાલે સવારે તો હું નીકળી પણ જઈશ એવો મારો નિર્ણય પણ જણાવી દીધો. આ સાંભળીને મારી માએ હસીને કહ્યું - 'હવે આટલે દૂરથી ૫૦૦ માઈલનું અંતર કાપીને આવી છું તો એક દિવસ વધારે રોકાઈ જજે. પછી તો બધા સાથે જમ્યા, હસી-ખુશીથી વાતો કરી. રાત્રે અગિયાર વાગે સૂવા માટે છૂટયા પડયા. હજુ માએ બેડરૃમ તરફ જવા માંડ બે-ચાર ડગલા ભર્યા હશે ત્યાં જ તેને છાતીમાં સખત દુઃખાવો ઉપડયો અને તે ઢળી પડી . તે હૃદયરોગનો એવો ભારે હૂમલો હતો કે ડૉક્ટર આવીને સારવાર કરે તે પહેલાં તો તેનું મરણ થઈ ચૂક્યું હતું !'
મારી માએ ક્યારેય છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરી નહોતી. એકાએક જ આવો ભારે હાર્ટ એટક આવશે એવી કોઈનેય કલ્પના નહોતી. ખુદ મારી માતાનેય એનો કોઈ અણસાર આવ્યો નહોતો. આ ઘટનાએ મને અને ઘરના સૌને અચરજમાં મૂકી દીધા કે આવું બનવાનું હતું એનું પૂર્વ જ્ઞાાન મારા મનને સવારે કેવી રીતે થઈ ગયું હતું ? આ ઘટના વિચાર-સંક્રમણ-ટેલિપથીને લગતી નહોતી કેમકે કોઈના મનમાં આવી ઘટના બનશે એવા વિચારની સંભાવના જ નહોતી. મને કે મારી માતાને આવો વિચાર આવ્યો જ નહોતો-મને લાગે છે કે આ ઘટના પૂર્વજ્ઞાાન (પ્રિ-કોગ્નિશન)ને લગતી ગણાય. આવું માનવાનું કારણ એ છે કે એકવાર મારી માતાએ મને કહ્યું હતું - 'મારા મરણ સમયે ઘરનું બીજું કોઈ હાજર હોય કે ન હોય, તું જરૃર હાજર હોય એમ હું ઈચ્છું છું.' ખરેખર એમ જ બન્યું. હું આને લીધે જ આજે અવશપણે મા પાસે ખેંચાઈ આવી. આજે જ મારી માનું મરણ થવાનું છે તે મારા મનને કેવી રીતે ખબર પડી ? મારી માની અંતિમ ઈચ્છા પૂરી કરવા જ કોઈ અજ્ઞાાત શક્તિ મને અહીં ઘસડી લાવી. આ કઈ શક્તિ હશે ? જડ દ્રવ્ય - અંગોપાંગો પર કોના મનનો આ પ્રભાવ હશે ? જરૃર કોઈ અજ્ઞાાત શક્તિએ મારા મગજ-મન પર એવો પ્રભાવ પાડયો હતો જેથી હું ૫૦૦ માઈલનો કપરો પ્રવાસ ખેડીને સમયસર મારી માતાના મૃત્યુ સમયે તેની પાસે પહોંચી ગઈ હતી ! આશ્ચર્યની વાત તો એ છે કે મારી માતાના ખેતરવાળા ઘરથી પંદર મિનિટના અંતરે રહેતા મારા ભાઈ-બહેનોને સવારે માના મૃત્યુનો કોઈ સંકેત મળ્યો નહીં પણ મને ૫૦૦ માઈલ દૂર હોવા છતાં એ સંકેત મળ્યો !
કેટલાકમાં આવી ચૈતસિક શક્તિ જન્મજાત કે કુદરતી હોય છે તો કેટલાકમાં ખાસ કારણસર પ્રસંગોપાત પ્રગટતી હોય છે. ડૉ. રુથ રેયના આ શક્તિ વિશે સમજાવતા કહે છે કે જેમ પરમાણું કેન્દ્રમાં પ્રોટોન અને ન્યૂટ્રોન એકબીજાને વળગી રહીને અસર કરે છે એના જેવી આ પ્રક્રિયા છે. એટલે કે જેમ પરમાણુ કેન્દ્રના ન્યૂકિલયર પાર્ટિકલ્સ વચ્ચે 'મેસોન ' નામના પાર્ટિકલ્સ સંયોગી કામગીરી કરે છે તે જ રીતે આ બ્રહ્માંડમાં માનવ મનના પાર્ટિકલ્સનો સમૂહ આદાન-પ્રદાનની સંયોગી કામગીરી કરી વિશિષ્ટ શક્તિ કેન્દ્ર બની રહેતા હોય. એમના થકી જ ટેલિપથી, કલેરવોયન્સ, પ્રી-કોગ્નિશન કે પીકે જેવી અસાધારણ ચૈતસિક ઘટનાઓ બનતી હોય.
મનુષ્ય સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપેલ શક્તિક્ષેત્રનો એક અલ્પ અંશ છે. જેમ પરમાણુની ભીતર પ્રચંડ શક્તિ છે તેમ માનવીની અંદર પણ ચેતના અને મનની પ્રચંડ શક્તિ છુપાયેલી છે. પ્રબળ વિચારશક્તિ અને દ્રઢ સંકલ્પબળથી અસંભવ લાગે તેવા ચમત્કારો પણ સર્જી શકાય છે. પ્રાર્થના અને શ્રદ્ધા આવી મનની શક્તિ જ છે જે કેવળ એક વ્યક્તિ પર જ નહીં પણ બહુ મોટા સમુદાય પર પણ અસર ઉત્પન્ન કરે છે. વૈશ્વિક શક્તિના આદાન-પ્રદાનથી ઘણા કામ થાય છે. દૈવી ચિકિત્સક આ શક્તિના માધ્યમથી જ દૂર રહીને પણ બીમાર વ્યક્તિના રોગોનું નિવારણ કરી શકે છે. ક્વૉન્ટમ ફિઝિક્સના નિષ્ણાંત ભૌતિક વિજ્ઞાની આર્થર માર્ચ કહે છે કે અર્વાચીન ભૌતિક વિજ્ઞાન પુરવાર કરે છે કે પરમાણુના નિમ્ન સ્તરે આદાન-પ્રદાનની પ્રક્રિાય કામ કરે છે તે રીતે બે વ્યક્તિના મન કે ચેતના વચ્ચે પણ આદાન પ્રદાન થવાથી માહિતીની આપલે થઈ જાય તે શક્ય છે. ચૈતસિક ભૂમિકાએ થતી આ કામગીરી હજુ રહસ્યમય રહી છે. પણ એ અસ્તિત્વ ધરાવે છે તે દીવા જેવું સ્પષ્ટ છે.
0 comments:
Post a Comment