- કહેવત છે કે ભગવાન આપે છે ત્યારે છાપરું ફાડીને આપે છે. આનો અર્થ એવો થાય છે કે નસીબ સારું હોય તો ધાર્યું ના હોય ત્યાંથી ધન મળી જાય છે. એક પુસ્તકને લીધે કોઈ માલામાલ બની ગયું હોય તે કિસ્સો બહુ રસપ્રદ છે.
કહેવત છે કે ભગવાન આપે છે ત્યારે છાપરું ફાડીને આપે છે. આનો અર્થ એવો થાય છે કે નસીબ સારું હોય તો ધાર્યું ના હોય ત્યાંથી ધન મળી જાય છે. એક પુસ્તકને લીધે કોઈ માલામાલ બની ગયું હોય તે કિસ્સો બહુ રસપ્રદ છે. અહીં આપણે એવા કોઈ લેખકની વાત નથી કરી રહ્યા જે પુસ્તકની રોયલ્ટીને લીધે ધનવાન બની ગયેલ હોય. અહીં તો એક ગરીબ વાચકને લગતી વાત છે, જેના પુસ્તકશોખને કારણે તે ધનવાન બની ગયો હતો.

થોડા સમય પહેલાં એવું બન્યું કે ઈટાલીની રાજધાની રોમની એક લાઈબ્રેરીમાં જોસેફ નામનો એક વાચક પુસ્તક લેવા આવ્યો. તે લાઈબ્રેરીનો સભ્ય હતો અને અવારનવાર ત્યાંથી વાંચવા માટે પુસ્તક લઈ જતો. તે દિવસે કયું પુસ્તક લઈ જવું તે અંગે તે ઘોડામાં રાખેલા પુસ્તકોની તપાસ કરી રહ્યો હતો. તત્ત્વજ્ઞાાનને લગતું એક જૂનું પુસ્તક તેના હાથમાં આવ્યું. તેણે જોયું તો ઘણા વર્ષોથી તેને વાંચવા માટે કોઈ લઈ ગયું નહોતું. તેના પર ધૂળના થર બાઝ્યા હતા. તેના મનમાં વિચાર આવ્યો કે મારે આ જૂનું પુસ્તક વાંચવા લઈ જવું જોઈએ. એના પરની ધૂળ ખંખેરી તે એને પોતાના કાર્ડ પર ઈસ્યુ કરાવવા લાઈબ્રેરીઅન પાસે લઈ ગયો. લાઈબ્રેરીઅને તે ઈસ્યુ કરી આપ્યું અને કઈ તારીખે પરત કરવું તેનો સિક્કો મારી આપ્યો.
ઘેર જઈને જોસેફ પુસ્તક વાંચવા બેઠો. દરમિયાન એને લાગ્યું કે એ દળદાર પુસ્તકના પાના વચ્ચે કોઈ કાગળ મૂકાયેલો છે. તેણે એ કાગળ ત્યાંથી લઈ લીધો અને એમાં શું લખાયેલું છે તે જોવા સહજ જિજ્ઞાાસા થઈ. તેણે વાંચ્યું તો તેમાં લખેલું હતુ - 'આ કાગળ જેને મળે તેણે તે લઈને રોમની કોર્ટમાં હાજર થવું.' પહેલાં તો તેને થયું કે આ કાગળ કોઈએ વાંચતાં વાંચતાં કેટલે સુધી વાંચ્યું તે યાદ રાખવા 'માર્કર' તરીકે મૂક્યો હશે. પણ એવું હોય તો કોઈ કાગળ પર આવું લખાણ ન કરે. કોઈ અગમ્ય પ્રેરણાએ તેને તેનો અમલ કરવા દોર્યો. તે પેલો કાગળ લઈને રોમની કોર્ટમાં હાજર થયો અને તત્કાલીન મેજિસ્ટ્રેટને આ કાગળ અને તેના લખાણની વાત કહી તે કાગળ બતાવ્યો. કાગળ વાંચી લીધા પછી જજના મુખ પર સ્મિત પ્રગટ થયું અને તેમણે કહ્યું - 'જોસેફ, તું ખરેખર ભાગ્યશાળી છે. તારા વાંચવાના શોખે તને અત્યંત ધનવાન બનાવી દીધો છે!' તેમણે પોતાના સંદર્ભ પત્રોમાંથી એક પત્ર કાઢ્યો અને તેનું પરબીડિયું કાઢીને પત્ર વાંચ્યો. તેમાં લખ્યું હતું - 'મેં મારા મરણ પૂર્વે મારી સંપત્તિનું વસીયતનામું એક કાગળ પર લખીને રોમની એક લાઈબ્રેરીના એક પુસ્તકમાં તેના પૃષ્ઠ વચ્ચે મૂક્યું છે. મારે કોઈ વારસદાર નથી. જે સાચો પુસ્તકપ્રેમી હોય એને હું મારો વારસદાર સમજું છું. તત્ત્વજ્ઞાાનનું એ પુસ્તક શાંતિથી વાંચવા લે એને જ એ કાગળ હાથમાં આવશે. એ કાગળ લઈને જે અહીં આવે તેને મારી કરોડો ડોલરની સંપત્તિ આપવી.' આમ પુસ્તકના શોખને લીધે જોસેફને કરોડો ડોલર પ્રાપ્ત થયા. ભાગ્યવશાત્ સંયોગથી સેંકડો-હજારો પુસ્તકોમાંથી જોસેફના હાથમાં એ જ પુસ્તક આવ્યું એ વાત પણ ઓછી મહત્ત્વની નથી!
દરભંગાની બે મહિલા વૈદ્યનાથ ધામ - ભગવાન રાવણેશ્વર નામના શિવમંદિરે જળ ચડાવવા ગઈ. તેમાં એક મહિલા માતા હતી અને બીજી તેની પુત્રી. સુલતાન ગંજથી જળ લઈને બન્નેએ યાત્રાનો પ્રારંભ કર્યો. લગભગ દસેક કિલોમીટર આગળ ગયા હશે ત્યાં એ મહિલાની પુત્રીની તબીયત બગડી અને તેને ચક્કર આવવા લાગ્યા. સડકના કિનારે આવેલા એક મકાન પાસે જઈને તેમણે તેમાં રહેતી એક સ્ત્રીને ત્યાં થોડીવાર આશરો આપવા વિનંતી કરી. જ્યારે તે મકાનમાલિક સ્ત્રીએ જોયું કે એ મહિલાની પુત્રી બીમાર છે એટલે તેણે તરત જ માનવતાવાદી વલણ દાખવીને તેમને ઘરમાં બેસાડયા અને પોતાના વિસ્તારના જાણીતા ડૉક્ટરને ફોન કર્યો. તે ડૉક્ટર તેના કંપાઉન્ડર સાથે થોડી મિનિટોમાં જ ત્યાં પહોંચી ગયો. બીમાર યુવતી અને કંપાઉન્ડર એકમેકની સામે આવ્યા ત્યારે બન્ને એકબીજાને ફાટી આંખે જોઈ રહ્યા. એ કંપાઉન્ડર તે બીમાર સ્ત્રીનો પતિ હતો જે પાંચ વર્ષ પહેલાં તેને છોડીને બીજી કોઈ છોકરી સાથે લગ્ન કરીને ભાગી ગયો હતો! સંયોગવશાત્ તે જેની સાથે ભાગી ગયો હતો અને પોતાના પહેલી વખતના લગ્નની વાત છૂપાવીને બીજી વાર લગ્ન કરી દીધા હતા તે યુવતી ગંભીર બીમારીને કારણે ચક્કર આવતા ફસડાઈ પડીને થોડા દિવસ પહેલાં જ મરણ પામી હતી! કેવા વિચિત્ર સંયોગો હતા કે એક બીમારીએ એની બીજી વારની પત્નીને એનાથી દૂર કરી દીધી હતી અને એક બીમારીએ એની પહેલી વારની પત્નીને એની પાસે લાવી દીધી હતી! કમ્પાઉન્ડરે માફી માંગી પોતાની સાથે તેને લઈ જઈ પુનઃ પૂર્વવત્ મધુર લગ્નજીવન શરૃ કરવા વિનંતી કરી હતી. એની બીમારી સાધારણ હતી અને થાક અને અશક્તિને લીધે તેને ચક્કર આવ્યા હતા. થોડી સારવાર પછી તેને સારું થઈ ગયું. તે તેના પતિની સાથે પોતાને ઘેર જતી રહી. આમ, સંયોગો કોને ક્યારે ક્યાં કેવી રીતે ભેગા કરી દે તે કહેવું મુશ્કેલ છે!
'સૂસાન એન્ડ એલિઝા' નામની વિશાળ હોડીમાં ૩૩ લોકો સવારી કરીને કેપ એન્નથી બોસ્ટન જઈ રહ્યા હતા. એ હોડીના માલિકની પુત્રી સૂસાન પણ તે હોડીમાં જઈ રહી હતી. સૂસાનના લગ્ન બોસ્ટનમાં થવાના હતા ત્યાં એનો મંગેતર એની અને એના સગા-વહાલાની રાહ જોઈ રહ્યો હતો. સૂસાનના લગ્ન પ્રસંગે મંગેતરને ભેટ-સોગાદ આપવા દહેજનો સામાન એક લાકડાની પેટીમાં સાથે રખાયો હતો. પણ નૌકાને એક ભયંકર સમુદ્રી તોફાન નડયું એનાથી નૌકાનો નાશ થયો અને બધા ડૂબી ગયા. પણ આશ્ચર્યની વાત એ બની કે સૂસાનના દહેજનો સામાન ભરેલી લાકડાની પેટી જેના પર તેનું નામ પણ લખેલું હતું તે તરતી તરતી બોસ્ટનના સમુદ્રકિનારે પહોંચી. સૂસાનની રાહ જોઈ રહેલા તેના મંગેતરના પગ પાસે આવીને જ અટકી. સૂસાનના નામવાળી પેટી જોઈ તેણે તે ખોલીને જોયું તો તે બીજી કોઈ સૂસાન નહીં તેના જેની સાથે લગ્ન થવાના હતા તે સૂસાનની જ પેટી હતી. તેમાં પોતાનો ફોટો અને દહેજનો સામાન જોઈ તેના મંગેતરને તરત ખ્યાલ આવી ગયો કે આ પોતાને ભેટ આપવા માટે સૂસાને જાતે પ્રેમથી ખરીદેલી વસ્તુઓ હતી. લગ્ન કરવા સૂસાન તો જાતે ના પહોંચી શકી પણ ભાવિ પતિને એના પ્રેમના પ્રતીકરૃપ પ્રદાન કરવાની ભેટ-સોગાદો તો પહોંચી જ ગઈ. આટલા વિશાળ સમુદ્રમાં પડેલી એક બેગ તરતી તરતી 'એ જેને આપવાની હતી' એની જ પાસે આવે અને એ એને મળી જાય એવી અનાયાસે બનેલી કુદરતી ઘટનાને શું માત્ર યોગાનુયોગ બનેલી ઘટના જ ગણવી? આ તે વળી કુદરતની કેવી લીલા? પોતાની પ્રેમભરેલી ભેટ-સોગાદો પોતાના પ્રિયતમને મળવી જ જોઈએ એવી સૂસાનની અંતિમ ઇચ્છાથી જ કુદરત કે સર્જનહારે એ લાકડાની પેટી બીજે ક્યાંય નહીં પણ એમના પ્રિયતમના પગ પાસે જ પહોંચાડી. એ અણમોલ ભેટ સાચી વ્યક્તિના હાથમાં જ આવી એ કેવળ સંયોગ ન જ ગણાય.
કેટલાક અદ્ભુત સંયોગો કુદરતની લીલા અને સર્જનહારની ઈચ્છાથી જ સર્જાય છે એવું આપણે સ્વીકારવું જ પડે એમ છે.



0 comments:
Post a Comment