Pages

Subscribe:

Blogger templates

Sunday, 4 November 2012

લંડનનાં કેટલાંક થિયેટરોમાં અનેક ભૂતોની હાજરી જોવા મળે છે!

 ઈંગ્લેન્ડમાં એવા ઘણા સિનેમાગૃહો છે જ્યાં ભૂત ભટકતા જોવામાં આવે છે! એમાંય ચાર સિનેમાગૃહો એવા છે જેમાં દર્શકો ફિલ્મ જોવા ઓછા અને ભૂત જોવા વધારે જાય છે

એવાત સાંભળીને તમને આશ્ચર્ય થશે કે ઈંગ્લેન્ડમાં એવા ઘણા સિનેમાગૃહો છે જ્યાં ભૂત ભટકતા જોવામાં આવે છે! એમાંય ચાર સિનેમાગૃહો એવા છે જેમાં દર્શકો ફિલ્મ જોવા ઓછા અને ભૂત જોવા વધારે જાય છે. આ ભૂતિયા થિયેટરોના નામ છે કેલી થિયેટર, રોયલ થિયેટર, હાય માર્કેટ થિયેટર અને ઓલ્ડવિક થિયેટર.


ઈંગ્લેન્ડના સોહો નગરની ડીન સ્ટ્રીટ પર ઈ.સ. ૧૮૪૦માં કુમારી ફેની કેલીએ એક થિયેટર અને નાટય પ્રશિક્ષણ શાળાની સ્થાપના કરી હતી અને તેને નામ આપ્યું હતું 'કેલી થિયેટર એન્ડ ડ્રામેટિક સ્કુલ'. ઈ.સ. ૧૮૮૨માં કેલીનું મૃત્યુ થયું હતું. તેને પોતાનું આ થિયેટર ખૂબ ગમતું હતું. એટલે મરણ બાદ પણ તે આ થિયેટરમાં પ્રેતાત્મા રૃપે અવારનવાર આવતી હતી. અનેક લોકોએ તેને નરી આંખે જોઈ હતી. નાટકનું રિહર્સલ ચાલતું હોય કે નાટક ભજવાતું હોય ત્યારે કેલી પણ પ્રેક્ષક બનીને તે નિહાળતી. કેટલાક કિસ્સામાં તો તે નવોદિત કલાકારોને અભિનકલા શીખવી પણ જતી. અભિનયને લગતા સૂચનો પણ આપી જતી. એ કલાકારોને પાછળથી ખબર પડતી કે એમને સૂચન આપનાર ટ્રેનર એની સંસ્થાપક ફેની કેલી હતી જે અત્યારે આ પૃથ્વી પર હયાત જ નથી! કેલીના મૃત્યુ પછી પચ્ચીસ વર્ષ સુધી તેનું ભૂત એ થિયેટરમાં ભટકતું જોવા મળ્યું હતું. એ પછી એના દેખાવાના પ્રસંગો પ્રમાણમાં ઓછા થઈ ગયા હતા. જો કે તે પોતાના થિયેટરનો મોહ બિલકુલ છોડી શકી નથી તેથી ક્યારેક ક્યારેક તો તેનું ભૂત તે થિયેટરમાં ભટકતું જોવા મળે છે.
રોયલ થિયેટરનો પ્રારંભ ઈ.સ. ૧૮૭૪માં હેરી જાકોનસે કર્યો હતો. ડૂરી લેનમાં આવેલું આ થિયેટર ભૂતિયા થિયેટર તરીકે ખૂબ જાણીતું છે કેમ કે આ થિયેટરમાં દરરોજ ત્રીજા શોમાં એક વૃદ્ધનું ભૂત આવે છે જે થિયેટરની બાલ્કનીમાં ફર્યા કરે છે. એટલું જ નહીં તે સીટો પાસે ચક્કર મારી ક્યારેક તો પ્રેક્ષકોની પાસે ખાલી ખુરશી પર બેસી પણ જાય છે. આ ભૂત લાંબો-પહોળો દેહ ધરાવે છે. તે ભૂરા રંગનો કોટ પહેરેલું હોય છે અને તેના માથે ત્રિકોણાકારની ટોપી હોય છે. તેનો દેખાવ અને પહેરવેશ જોતા એમ લાગે છે કે તે અઢારમી સદીની વ્યક્તિ હશે. આ વિશે સંશોધન કરનાર જોસેફ બ્રોડોક્સે તેના પુસ્તક 'હાઉન્ટેડ હાઉસ'માં લખ્યું છે કે આ ભૂત એ થિયેટરના ભૂતપૂર્વ કલાકારનું છે, જેનો અભિનય એટલો બધો પ્રભાવશાળી નહોતો. એનાથી અન્ય સાથી કલાકારો અને એના માલિક હેરી જાકોનસ એની અનાવડતને કારણે નાખુશ હતા. હેરી જાકોનસે તો એને નોકરીમાંથી બરતરફ કરી દેવાનો પણ નિશ્ચય કરી લીધો હતો. કોઈ મિત્ર થકી તેને આ વાતની જાણ થઈ ગઈ હતી. એટલે હતાશાનો ભોગ થઈ તેણે એ થિયેટરમાં કોઈ નાટક ભજવતી વખતે પોતાના અભિનય બાદ આત્મહત્યા કરી નાંખી હતી.
એ થિયેટરમાં એક સુંદર યુવાન સ્ત્રીનું ભૂત પણ જોવા મળે છે. એના વિશે તપાસ કરતા 'ઈસ્ટકેન્ટ ટાઈમ્સ'ના શ્રીમતી જે. લોબડાટે શોધી કાઢ્યું હતું કે તે ભૂત તે થિયેટરની ભૂતપૂર્વ મેનેજર કુમારી સારા યોર્નનુ છે. સારા તે થિયેટરમાં ૧૮૯૪ સુધી મેનેજર તરીકે કામ કરતી હતી. એક દુર્ધટનામાં તે યુવાન વયે જ મરણ પામી હતી. ૧૯૧૮ પછી તેનું ભૂત તે થિયેટરમાં અનેક લોકોને વારંવાર જોવા મળ્યું હતું. એવું કહેવાય છે કે ૧૮૯૭માં આ થિયેટરના મુખ્ય દ્વાર પર વિલિયમ ટેરિસ નામના એક માણસની હત્યા ગોળીબારથી થઈ હતી. તેનું પણ ભૂત અહીં ભટકે છે. આ થિયેટરમાં સાતેક ભૂત ભટક્તા જોવા મળ્યા છે. જોકે એમાંનું એકેય ભૂત ઉદ્દંડ, ખતરનાક કે હાનિકારક જોવા મળ્યું નથી. તે કોઈને હેરાન કરતા નથી.એમની હાજરીથી પ્રેક્ષકોની સંખ્યા ઘટતી નથી ઊલટું એમના લીધે પ્રેક્ષકોથી થિયેટરો ઊભરાય છે. કોઈ નાટક કે ફિલ્મ દરમિયાન આ ભૂતોની હાજરી બહુ જ ભાગ્યશાળી પુરવાર થાય છે. એનાથી ફિલ્મ જબરદસ્ત સફળતા મેળવે છે. આ ભૂતની ઉપસ્થિતિને કારણે જ 'કિંગ એન્ડ આઈ', 'સાઉથ સ્પેસીફિક' અને 'માય ફેર લેડી' ભારે 'હીટ' બન્યા હતા. 'બુક ઓફ ફેક્ટસ એન્ડ રેકોર્ડસ'માં જણાવાયું છે કે આ થિયેટરોમાં ભૂતની હાજરી પ્રમાણિત ઘટના તરીકે સ્વીકારવામાં આવે છે. એક રાતે સ્ટેન લૂપિનો નામના કલાકારે ડેન લીનો નામના મૃત્યુ પામેલા અન્ય કલાકારના ભૂત સાથે કલાકો સુધી વાતો કરી હતી.
'કિંગ એન્ડ આઈ' માટે ગાયિકાની પસંદગી કરવાનો ટેસ્ટ લેવાઈ રહ્યો હતો ત્યારે પણ એક અદ્ભુત ઘટના બની હતી. ડેરિન ડયુક નામની ગાયિકા આમાં સામેલ હતી. તે જ્યારે ટેસ્ટ આપવા ગઈ ત્યારે તેને એવો અનુભવ થયો કે જાણે કોઈએ તેનો હાથ પકડી લીધો. એ વ્યક્તિ દેખાતી નહોતી પણ તેનો સ્પર્શ અનુભવાતો હતો. તે તેનો હાથ પ્રેમપૂર્વક પકડી તેને સ્ટેજ સુધી લઈ ગયું હતું. એના પરિણામ રૃપે તે શ્રેષ્ઠ ગાયિકા જાહેર કરાઈ હતી અને નાટકના ગીતો ગાવા માટ તેને નિયુક્ત કરવામાં આવી હતી. ડોરિન કહે છે કે તે ટેસ્ટ આપવા ગઈ ત્યારે શરૃઆતમાં ખૂબ 'નર્વસ' બની ગઈ હતી પણ પેલા સહાયકારી પ્રેમાળ સ્વભાવના ભૂતે તેને પ્રોત્સાહન આપ્યું તેથી તેનામાં આત્મ-વિશ્વાસ ઉદ્ભવ્યો હતો અને તેણે ભય છોડીને સરસ રીતે ગીતો ગાયા હતા. વિખ્યાત અભિનેત્રી બેટી જોન્સ જાણીતા નાટક 'ઓક્લાહોમા'માં રમૂજી ભૂમિકા ભજવતી હતી. હાસ્ય કલાકારની ભૂમિકા તેને માટે પડકાર રૃપ હતી. તે વખતે કોમેડિયન જો ગ્રિમાલ્ડીના ભૂતે તેને આગળ-પાછળ ધકેલી તથા તેની ગરદન અને શરીરને વાળી પ્રેક્ષકમાં હાસ્ય ઉપજાવ્યું હતું. આ ઘટના ઈ.સ. ૧૯૫૦માં બની હતી. શરૃઆતમાં બેટીને આવું કેમ થાય છે તેની ખબર પડી નહોતી પણ પાછળથી ખબર પડી હતી કે સ્ટેજ પર હાસ્ય નિપજાવવા તેને મદદ કરનાર એક ભૂત હતું!

લંડનના હાઈ-માર્કેટ થિયેટરમાં મોરિસ નામની વ્યક્તિનું ભૂત જોવા મળ્યું હતું. તે થિયેટરના પ્રબન્ધક તરીકે કામ કરતો હતો. કેટલાક એવું માને છે કે ત્યાં જોવા મળતું ભૂત જે. બી. બકસ્ટોમ નામના અભિનેતાનું છે, જેણે શેક્સપિયરના વિખ્યાત નાટક 'મર્ચન્ટ ઓફ વેનિસ'માં યાદગાર અભિનય કર્યો હતો. બકસ્ટોમનું ભૂત મોટેભાગે થિયેટરના ડ્રેસિંગ રૃમમાં જ આંટા મારતું જોવા મળે છે. તે હંમેશાં ઓગણીસમી સદીના વસ્ત્રો જ પહેરી રાખે છે. ૧૯૬૪માં એક અદ્ભુત ઘટના એવી બની હતી કે આ થિયેટરમાં એક નાટક સ્ટેજ પર ભજવાઈ રહ્યું હતું ત્યારે તે ભૂત સ્ટેજ પર પહોંચી ગયું હતું અને વિચિત્ર રીતે આંટા મારવા લાગ્યું હતું. જેને સેંકડો પ્રેક્ષકોએ નિહાળ્યું હતું.

લંડનના ઓલ્ડવિક થિયેટરમાં અનેકવાર સેંકડો લોકોને વિશ્વપ્રસિદ્ધ નાટયકાર વિલિયમ શેક્સપીયરનું ભૂત સ્ટેજ પર આંટાફેરા કરતું જોવા મળ્યું છે. તે ઘણીવાર એના નાટકોના સંવાદો પણ કડક્ડાટ બોલી જતું હતું, જે સાંભળીને પ્રેક્ષકો આશ્ચર્યમાં ગરકાવ થઈ જતા હતા. થોડા સમય પૂર્વે કેનેડાના એડવિન મરવિશે આ થિયેટરનો જીર્ણોદ્ધાર કરી એને અર્વાચીન ઓપ આપી આધુનિક સગવડોવાળું બનાવ્યું એ પછી એકેવાર ત્યાં શેક્સપીયરનું ભૂત જોવા મળ્યું નથી. લાગે છે કે એને એ જુના થિયેટર સાથે જ વિશેષ લગાવ હશે એટલે એને તોડી નવું થિયેટર બનાવ્યું તે પછી તે કદી ત્યાં ફરી જોવા મળ્યું નથી.

અગોચર વિશ્વ - દેવેશ મહેતા

0 comments:

Post a Comment