-'ધ સાઈકિક ડિસ્કવરીઝ બિહાઈન્ડ ધ આયર્ન કર્ટેન' નામના સીમાચિહ્ન રૃપ વિખ્યાત પુસ્તકમાં તેના લેખકો શૈલા ઓસ્ટ્રેન્ડર અને લીન શ્રોએડર સોવિયેત રશિયાના કર્નલ એલેકસી ક્રિવોરોટોવ અને તેમના તબીબ પુત્ર વિકટર ક્રિવોરોટોવની દૈવી ચિકિત્સાની વાત કરી છે.
ચૈતસિક ચિકિત્સા કે દૈવી ઉપચાર એ માત્ર શ્રદ્ધાનો વિષય નથી. આ અંગે અનેક વૈજ્ઞાાનિક અને તબીબી સંશોધનો થયા છે જે એ વાત સ્વીકારે છે કે વાસ્તવમાં આવી શક્તિ સંભવ છે. ફ્રાન્સના ડૉ. જુસ્ટા સ્મિથે આ વિષય પર ઊંડો અભ્યાસ અને પ્રયોગો કર્યા છે. તે ભૌતિક રસાયણ અને જૈવિક રસાયણના નિષ્ણાત છે અને બફેલો રોઝવેલ પાર્ક મેમોરયલ ઈન્સ્ટિટયૂટ સંસ્થાના શિક્ષણ શાળાના સહાયક ડિરેકટર છે. તેમની આ સંસ્થા અમેરિકામાં એક અગ્રગણ્ય 'કેન્સર સંશોધન કેન્દ્ર' ગણાય છે. ડૉ. જુસ્ટા સ્મિથ સાધ્વી છે તેથી સિસ્ટર જુસ્ટા સ્મિથ તરીકે પણ ઓળખાય છે. ડૉ. જુસ્ટા સ્મિથ એમના સંશોધનોના આધારે કબુલ કરે છે કે કેવળ હસ્ત સ્પર્શ દ્વારા એક મનુષ્યમાંથી બીજા મનુષ્યમાં શક્તિ સંક્રાન્ત કરવાનું આરોગ્ય ક્ષેત્રે શક્ય છે.

૧૯૬૬માં મેકગિલ યુનિવર્સિટીના મોર્ફોલોજિસ્ટ ડૉ. બર્નાર્ડ ગ્રાડના એક વાર્તાલાપ પરથી તેમને આ વિશે વધુ સંશોધન કરવાની પ્રેરણા મળી હતી. એ વાર્તાલાપમાં ડૉ. બર્નાર્ડ ગ્રાડે પોતે પોતાની પ્રયોગશાળામાં કરેલા કેટલાક પ્રયોગોની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ૭૬ વર્ષની વયના એક હંગેરીઅન કર્નલ ઓસ્કર એસ્ટેબની પર તેમણે પ્રયોગો કર્યા હતા જે હસ્ત સ્પર્શ સારવારથી બીમાર વ્યક્તિમાં દૈવી - ચૈતસિક ઊર્જા પ્રવિષ્ટ કરી તેમને રોગમુક્ત કરી દેતા હતા. એસ્ટેબનીની આ ચિકિત્સાને ચકાસવા અને તેના રહસ્યનો તાગ મેળવવા ડૉ. ગ્રાડે ઉંદરો પર પ્રયોગો કર્યા. સર્વ પ્રથમ તેમણે તેમના સહાયકો સાથે રહીને ઉંદરોનો આયોડિનની ઉણપવાળો ખોરાક અને ઔષધો આપ્યા. આના પરિણામે એ ઉંદરોમાં થાયરોઇડ ગ્રંથિ વૃદ્ધિ પામી અને તેની તકલીફો શરૃ થઇ. એ પછી તેના ઉપચાર સંબંધે એ ઉંદરોના ત્રણ જૂથ પાડયા. એક જૂથ કન્ટ્રોલ જૂથ તરીકે રાખ્યું. બીજા જૂથને થોડા ગરમ વાતાવરણમાં રાખ્યું અને ત્રીજા જૂથને ઓસ્કર એસ્ટેબનીની દૈવી સારવાર ઉપલબ્ધ કરાવી. એસ્ટેબની કેવળ આ જૂથના ઉંદરો પર પોતાનો હાથ મૂકતા. પરિણામ આશ્ચર્યજનક આવ્યું. કેવળ ત્રીજા જૂથના ઉંદરોની થાયરોઇડ સમસ્યા દૂર થઇ ગઇ. આનું હકારાત્મક પરિણામ આવ્યું એટલે ડૉ. ગ્રાડે અન્ય પ્રયોગ કર્યો. આ પ્રયોગમાં એસ્ટેબનીએ એની દૈવી સારવારથી ઉંદરોની પીઠ પર પડેલા ઊંડા ઘાને રૃઝવવાના હતા. એસ્ટેબનીએ હસ્ત સ્પર્શ સારવારથી જ એ ઉંદરોના ઘા રૃઝવી દીધા. તે ઉપરાંત ડૉ. ગ્રાડે વનસ્પતિ પર પણ પ્રયોગો કર્યા. સૂર્યપ્રકાશ, ખાતર તથા સંવર્ધનની બધી બાબતો સમાન હોવા છતાં એસ્ટેબનીએ જેને પાણી સીંચ્યું હતું તથા તેના પર હાથ ધરી રાખ્યો હતો તે છોડવા વધારે જલદી ઉગ્યા હતા અને તેમનો સારો વિકાસ - વૃદ્ધિ થયા હતાં. આ પ્રયોગોને આધારે ડૉ. ગ્રાડે જણાવ્યું કે એસ્ટેબની જે પાણી પોતના હાથમાં પકડી રાખતા તેમના ગુણધર્મો બદલાઇ જતા. તે સામાન્ય પ્રકારનું પાણી નહોતું રહેતું પણ તેનામાં ઔષધીય ગુણધર્મો આવી જતા. પ્રયોગશાળામાં તે પાણીનું રાસાયણિક પૃથક્કરણ કરવામાં આવ્યું ત્યારે જોવામાં આવ્યું કે તેમાં અમુક ફેરફાર થઇ ગયા હતા. આમ તો તે 'એચટુઓ- H2o લક્ષણવાળુ પાણી જ હતું પણ તેમાં જે પરિવર્તન આવ્યું તે એ હતું કે તેના 'મોલિક્યુલ્સ' એકબીજા સાથે જોડાઇ ગયા હતા. બીજા એક પ્રયોગ દરમિયાન એસ્ટેબનીએ લગભગ અડધા કલાક સુધી પાણી ભરેલા સીલબંધ કાચના વાસણને હાથમાં પકડી રાખ્યું હતું. તે વાસણમાં જે પાણી ભરેલું હતું તે વધારે પડતા ક્ષારવાળું અને દુષિત હતું. સામાન્ય સંજોગોમાં તો તે પાણીથી વનસ્પતિ રુગ્ણ બની જાય. આ પ્રયોગમાં સમાંતર રીતે એસ્ટેબનીની ચકાસણી પછી બીજી વ્યક્તિએ એવું પાણી પીવડાવ્યું ત્યારે તે રુગ્ણ બની જ ગઇ હતી! પણ એસ્ટેબનીના હાથથી પાણી પીવડાવાયું ત્યારે દુષિત પાણીની કોઇ જ ખરાબ અસર છોડવાઓ પર જોવામાં આવી નહોતી!
આ પ્રયોગોના આધારે તેની ટિપ્પણી કરતા કેનેડાની મોન્ટ્રીયલ ખાતે આવેલ મેકગીલ યુનિવર્સિટીના આ સંશોધક ડૉ. ગ્રાડ કહે છે- પ્રયોગ માટે દુષિત કરાયેલ એ પાણીના મિશ્રણમાં ઓસ્કર એસ્ટેબનીના હાથમાંથી જરૃર કોઇક અજ્ઞાાત ઊર્જા પ્રવેશી હશે. આ તત્ત્વ કોઇ ભૌતિક રસાયણ તો નહીં જ હોય કેમ કે પાણી કાચના સીલબંધ કન્ટેનરમાં રખાયું હતું.
બફેલોના બાયોકેમિસ્ટ ડૉ. જુસ્ટા સ્મિથે દર્શાવ્યું કે એસ્ટેબનીની હસ્ત સ્પર્શ સારવારથી રોગનિવારણ થતું હોય તો ઉત્સેચકો (એન્ઝાઇમ્સ)ની સંખ્યામાં પણ પરિવર્તન આવવું જોઇએ. આ અંગે તેમણે પણ એસ્ટેબની પર ઘણા બધા પ્રયોગો કર્યા. તે એસ્ટેબનીના હાથમાં ઉત્સેચકોની બોટલ જ મૂકી દેતા અને ઉત્સેચકોની કામગીરીના પ્રમાણમાં કેટલો ફેરફાર થાય છે તેનો અહેવાલ તૈયાર કરતા. તેમાં પણ એસ્ટેબનીની દૈવી ચિકિત્સાની શક્તિ પુરવાર થઇ. ડૉ. જુસ્કા એમ. સ્મિથે 'ધ ડાયમેન્શન્સ ઑફ હિલિંગ, એકેડેમી ઑફ પેરાસાઇકોલોજી એન્ડ મેડિસિન ૧૯૭૨'માં આ પ્રયોગોનો નિષ્કર્ષ આપતાં કહ્યું- 'શીશીમાં ભરેલા એન્ઝાઇમ્સના સંમિશ્ર-સંઘટ્ટ પ્રોટીનની જૈવ-રાસાયણિક ગુણધર્મિતા દૈવી ચિકિત્સકના હસ્ત સ્પર્શથી કે એના સંસર્ગના પ્રભાવથી બદલાઇ શકે છે! હસ્ત સ્પર્શથી રોગનિવારણ થવાની પ્રક્રિયા કેવળ મનોવૈજ્ઞાાનિક રાહત છે એવું નથી. દૈવી ચિકિત્સકના શરીરમાંથી નીકળતી કોઇ રહસ્યમય ઊર્જા આ રોગનિવારણ કરી દે છે એમાં શંકાને કોઇ સ્થાન નથી.'
'ધ સાઈકિક ડિસ્કવરીઝ બિહાઈન્ડ ધ આયર્ન કર્ટેન' નામના સીમાચિહ્ન રૃપ વિખ્યાત પુસ્તકમાં તેના લેખકો શૈલા ઓસ્ટ્રેન્ડર અને લીન શ્રોએડર સોવિયેત રશિયાના કર્નલ એલેકસી ક્રિવોરોટોવ અને તેમના તબીબ પુત્ર વિકટર ક્રિવોરોટોવની દૈવી ચિકિત્સાની વાત કરી છે. એલેકસીએ તેમની દૈવી ચિકિત્સાથી બાળલકવો, ચામડીના રોગો, જ્ઞાાનતંતુની બીમારી, મનોદૈહિક પરિબળોથી થતો હૃદયનો દુઃખાવો વગેરે અનેક બીમારીઓ દૂર કરી હોવાના કિસ્સાઓ જાણવા મળ્યા છે. એલેકસીએ સાજા કરેલા કેટલાક રોગી કોઇ ચિકિત્સકોથી ફાયદો ના થવાને લીધે તેમની પાસે આવેલા હતા. બોતેર વર્ષની એક વૃદ્ધાનો હાથ જડ થઇ ગયો હતો. ચિકિત્સકોએ તેને જણાવ્યું હતું કે લોહીના પરિભ્રમણના માર્ગમાં અવરોધો આવવાથી તે જડ થઇ ગયો હતો અને જો તે વહેલી તકે કાપી નાંખવામાં નહિ આવે તો શરીરમાં ઝેર ફેલાઇ જશે. એલેકસીએ તેને સારવાર આપી. દસ દિવસ સુધી દરરોજ દસથી પંદર મિનિટ સુધી અપાયેલી આ હસ્ત સ્પર્શ ચિકિત્સા પછી તે વૃદ્ધાના હાથના સોજા ઉતરી ગયા હતા, રક્ત પરિભ્રમણના અવરોધ પણ દૂર થઇ ગયા હતા અને તેનો હાથ પૂર્વવત્ નિરોગી અને કાર્યશીલ બની ગયો હતો. આંખના રોગની નિષ્ણાત તબીબ મહિલા પોતાની પુત્રીની જ સારવાર કરાવવા એલેકસી પાસે આવી હતી. તેણે એલેકસીને આવતાની સાથે જ કહ્યું કે તે દૈવી ચિકિત્સામાં જરાય વિશ્વાસ ધરાવતી નથી પણ તેની પુત્રી માટે કોઇ ઉપાય બચ્યો ન હોવાથી છેવટે 'ડૂબતો માણસ તણખલું પકડે' એ ન્યાયે તેમની પાસે આવી છે. તે બાળકીની આંખની પાછળ ગાંઠ થઇ હતી અને તેને લીધે તેની આંખો બહાર ધસી આવી હતી. ડૉકટરોએ સર્જરી કરી ત્યારે તેનું હૃદય થોડી ક્ષણ બંધ પડી ગયું હતું તેથી તેમણે ભારે પ્રયાસથી તેને ફરી ધબકતું કરી સર્જરી અટકાવી દીધી હતી. એલેકસીએ દરરોજ પંદર મિનિટ માટે એક મહિના સુધી દૈવી ચિકિત્સા આપી હતી. તેના પરિણામે તેની આંખ મૂળ સ્થિતિમાં આવી ગઇ હતી અને તેની પાછળની ગાંઠ પણ ઓગળી ગઇ હતી. આ અદ્ભુત પરિણામથી પ્રભાવિત થઇને તે મહિલા તબીબે પોતાની લિવરની બીમારી દૂર કરવા એલેકસી પાસે સારવાર લીધી હતી. એલેકસીએ તેની બીમારી પણ મટાડી દીધી હતી.
અગોચર વિશ્વ - દેવેશ મહેતા



0 comments:
Post a Comment