Pages

Subscribe:

Blogger templates

Thursday, 8 November 2012

સ્વર્ગસમા સૌંદર્યધામ સમું માલદિવ ડૂબી જશે? શું આ સ્વર્ગ ખોવાઇ જશે ?

- માલદિવના ટાપુઓ ડૂબવાં જઈ રહ્યા છે
- પૃથ્વી પરનું સ્વર્ગ કહી શકાય તેવા માલદિવ દ્વિપસમુહ જગતનો સૌથી નીચાણવાળો દેશ છે. તેના ૮૦ ટકા ટાપુઓ સમુદ્રની સપાટીથી એકમીટર ઉંચા લેવલે જ છે. સૌથી ઊંચામાં ઊંચું બિંદુ ૨.૩ મીટર છે. છેલ્લા ૧૫ વર્ષમાં ગ્લોબલ વોર્મિંગના કારણે સરેરાશ ૫૨ મિલિમીટર ઊંચે ગયેલ છે. આ આખો દેશમાં ભવિષ્યમાં ડૂબવાં જશે તેમ લાગે છે
- આઈપીસીસીની આગાહી પ્રમાણે ૨૧મી સદીના અંત સુધીમાં સમુદ્રની સપાટી ૫૯ સેન્ટિમીટર ઊંચે જવાની છે. ગ્લેસિયર પીગળશે તો આ આંકડો વધશે
- માલદિવને બચાવવા આંતરરાષ્ટ્રીય પ્રયાસોની જરૃર છે. માલદિવની ફરતે 'બ્લુપીસ' એનજીઓના મતે માલદિવના ટાપુઓથી ઊંચા સાત કૃત્રિમ ટાપુઓનું તેની ફરતે નિર્માણ કરવું જોઈએ.

ભારતના અને પૃથ્વી પરના કેટલાક સૌંદર્યધામ સમા પ્રવાસન સ્થળે આપણે જવાનું થાય છે. ત્યારે તેમનું સૌંદર્ય નિહાળીને આપણે અભિભૂત થઈ જઈએ છીએ. આપણને ઘડીભર તો સ્વર્ગની અનુભૂતિ થાય છે. આવા કોઈ ધરતીપરના સ્વર્ગ જેવા પ્રદેશ માટે આપણને જણાવવામાં આવે કે તે લુપ્ત થઈ રહેલ છે અને થોડા વર્ષમાં ગ્લોબલ વોર્મિંગના કારણે ઊંચે જતી સમુદ્રની સપાટી નીચે તે ગરક થઈ જવાનો છે ત્યારે આપણે ગમગીનીમાં ડૂબી જઈએ છીએ. ભવિષ્યમાં આપણે ડૂબી ગયેલા સૌંદર્યધામની મુલાકાતે જઈએ અને ત્યાં કઈ જ ન હોય અને માત્ર મહાસાગરના પાણી ધૂધવતા હોય ત્યારે આપણને લાગશે કે સ્વર્ગ ખોવાઈ ગયું? અંગ્રેજી નવલકથાનું શિર્ષક યાદ આવશે કે પેરેડાઈસ લોસ્ટ? આવું એક સૌંદર્યધામ હિંદી મહાસાગરમાં આવેલ 'માલદિવ'ના ટાપુઓ છે. તે ડૂબવાં જઈ રહ્યા છે. તે પાણીની કબરમાં થઈ રહેલ છે. ગ્લોબલ વોર્મિંગના કારણે મહાસાગરના પાણીના પ્રસારણના કારણે સમુદ્રની સપાટીનું લેવલ ઊંચે ગયેલ છે. તે વારંવાર પાણી ટાપુઓ પર ફરી વળવા પૂરતા છે. તેમાં વળી ધુ્રવ પ્રદેશમાં હિમનદી (ગ્લેસીયરો) પીગળતા પરિસ્થિતિ વધારે વિકટ બની છે. પરંતુ માલદિવ તેનો સામનો કર્યા વિના હાર માનવા તૈયાર નથી. આબોહવાનાં મોડેલની આગાહી છે કે સમુદ્રની સપાટીનું લેવલ વધતાં ટાપુઓ ૨૦૭૦ સુધીમાં કે ૨૦૫૦ કે તેથી પણ વ્હેલા ૨૦૩૦માં વસવાટને લાયક નહીં રહે. અલબત્ત માલદિવ પણ તેનો ખુમારીથી સામનો કરી રહેલ છે. ટાપુને ફરી પૂવર્વત સ્થિતિએ સ્થાપવા મહાત્વાકાંક્ષી કાર્યક્રમ અમલમાં મૂકી રહેલી છે. પરંતુ સવાલ એ છે મહાસાગરને આગળ વધતો અટકાવી શકાશે? આ દ્વીપસમુહને બચાવી શકાશે?


જે દ્વિપો એટલે કે ટાપુઓ માલદિવને બનાવે છ તેમનું અસ્તિત્વ સાવ રામભરોસે હોય તેમ અનિશ્ચિત રહ્યું છે. ૧૮૪૨માં પ્રકાશિત થયેલી ચાર્લ્સ ડાર્વિનના દ્વિપોની રચનાના વાદ પ્રમાણે દ્વિપોની શરૃઆત જવાળામુખીઓની હારમાળા રૃપે થાય છે. જેની કોર પરવાળાના ખડકોની હોય છે. જેમ જેમ જવાળામુખીઓ શાંત પડયા અને સમુદ્રની સપાટીના લેવલ છેલ્લાં હિમયુગના અંત ભાગમાં ઊંચે ચઢ્યા તેમ તેમ તે ધીમે દીમે ડૂબવાં ગયા અને ખડકોને પાછળ છોડતા ગયા. તે હુંફાળા અને સૂર્યપ્રકાશ પ્રકાશિત પાણીમાં રહેવા માટે તે ઉપર તરફ વધવા લાગ્યા. છેવટે તે પરવાળાના વર્તુળાકાર ખડકો જેને અંગ્રજીમાં 'એટોલ' કહે છે. તેનો અર્થ થાય છે ખાડી ફરતો પરવાળોનો ટેકરો. તેમાં છીછરા દરિયાના ખારા પાણીના સરોવરો (બેગૂન) ફરતે પરવાળાના ખડકો વીંટળાયેલા હોય છે. તેને પ્રવાલદ્વીપ વલય પણ કહે છે. સમય જતાં પરવાળાના ભંગાર અને રેતી ખડકો ઉપર અને આસપાસ ભેગી થતી જાય છે. તેમાંથી નીચાણવાળા ટાપુઓ રચાય છે. આજે માલદિવના ૧૧૯૬ દ્વિપોમાં ૨૬ જેટલા પ્રવાલદ્વિપો (એટોલ કે જેમાં લેગૂન ટૂરને પરવાળા (પ્રવાલ)ના ખડકો વીંટળાયેલા હોય છે, આવેલા છે. ૧૧૯૬ ટાપુઓ પૈકી ૨૦૦ ટાપુઓ પર કાયમી વસવાટ છે.
આમાંના મોટાભાગના ટાપુઓ રેતીના લાંબા ઢગલાઓ હોય છે. મહાસાગરના પાણીના પ્રવાહો બદલાતાં જતાં તે પણ આવે અને જાય છે. સ્થાનિક લોકો તેમના દેશને 'વોડન આધી ગિરૃન' કહે છે. તેનો અર્થ થાય છે. 'દૃશ્ય થઈ જતું અને અદૃશ્ય થઈ જતું રાષ્ટ્ર.'
છેલ્લા ૧૭ વર્ષમાં કાંઠાઓના ઘસારા અને સમુદ્રની સપાટી લેવલ વધવાને કારણે વધારે અને વધારે અને વધારે ટાપુઓ કાયમી ધોરણે અદૃશ્ય થતા જાય છે. એક બાજુથી પાણી ઉંચે જતા જાય છે. બીજી બાજુ પરવાળાની વૃદ્ધિ ધીમે થવા લાગે છે. અથવા તો પાણીનું તાપમાન વધતાં રંગ ઉડી જતાં પરવાળા મૃત્યુ પામે છે. અને પાછળ ખડકો મૂકી જાય છે જે દ્વિપોને આશ્રય આપવા ઓછા શક્તિમાન હોય છે. અત્રે યાદ રહે કે પરવાળા જેને અંગ્રેજીમાં 'કોરલ' કહે છે. તે દરિયાઈ સુક્ષ્મજીવો છે. હજારો-લાખો વર્ષો દરમ્યાન સમુદ્રમાં તે ખડકો રચે છે. તે રંગ-બેરંગી હોય છે.
પરિણામે મોજાંઓ અને દરિયાઈ તોફાનો ઝડપથી ટાપુઓના કાંઠાને ઘસારો લાગુ પાડી રહ્યા છે. આ ફેરફારોને લીધે ત્યાંની વસ્તી પર પાયમાલીની અસર થઈ છે. માર્ગો અને મકાનો સમુદ્રમાં તુટી પડે છે. નાળિયેરીના વૃક્ષોનું ધોવાણ થઈ જાય છે. અને ભૂગર્વજળ સમુદ્રના ખારા પાણીથી એટલું પ્રદુષિત થયું છે કે ઘણા ટાપુઓ પર તે પીવાલાયક રહ્યું નથી. કેટલાક ટાપુઓ સ્હેલાણીઓને માટે રહેવા-જમવાના સ્થળો ધરાવે છે. આખા દેશની આવકનો ત્રીજો ભાગ તેમાંથી આવે છે. તે બધા પર અસર થઈ છે. કેટલાક બંગલો એવા છે જે સ્હેલાણીઓના આશ્રય માટે વપરાય છે તેને તો ત્યજી દેવા પડયા છે. કારણ કે વારંવાર તેમાં પૂર આવી જાય છે. વળી ત્યાં દરિયાકિનારો છે જ્યાં સ્હેલાણીઓ સૂર્યસ્નાન કરતાં હતાં તે સંપૂર્ણ રીતે અદૃશ્ય થઈ ગયો છે.
અત્યાર સુધીમાં ૨૪ ટાપુઓ ત્યજી દેવામાં આવ્યા છે. કેટલાક તો ૨૦૦૪ના ત્સુનામી પછી છોડી દેવામાં આવ્યા છે. ત્યાંના રહેવાસીઓને ત્સુનામીના કારણે ટાપુઓને ઉંચો સપાટીએ ઉછળતાં સમુદ્રના પાણીથી શું દશા થાય તેનો આઘાતજનક અનુભવ થયો. સૌથી ખરાબ રીતે જે ટાપુઓને-સુનામીતી નુકશાન થયું હતું તે પૈકી 'કન્ધોલીહધ' છે તેના પર પથરાયે ત્સુનામીના મોજામાં સૌથી ઉંચુ માત્ર ૨.૫ મીટરનું હતું પરંતુ ત્યારે મોજાંમાં ફરી વળેલા પાણી મીનીટો પછી પાછા ફર્યા ત્યારે ત્રણ માણસો મૃત્યુ પામ્યા હતા. એકપણ ઘર વસવાટ લાયક રહ્યું ન હતું. ત્યાંના રહેવાસીઓ તે ટાપુ છોડીને અન્યત્ર ચાલ્યા જવા સિવાય કોઈ રસ્તો ન હતો. આ તો ત્સુનામીના પ્રત્યક્ષ અનુભવની વાત થઈ. સમુદ્રની સપાટીના લેવલ ઉંચે જતાં અને વધુ અને વધુ વારંવાર દરિયાઈ તોફાનોની આગાહી જોતાં એવું લાગે છે કે ભવિષ્યમાં ઉપર મુજબનું નુકસાન થવા માટે ત્સુનામીની જરૃર નહીં રહે.

અધૂરામાં પુરુ માલદિવની સમસ્યાઓ હલ કરવાના પ્રયત્નોના કારણે પરિસ્થિતિ વધારે બગડી છે. ૧૯૯૦માં તે વખતની સરકારે પરવાળાના ખડકોની હારમાળાની બહાર કેટલાક ટાપુઓ પર કૃત્રિમ રીતે દરિયાની દિવાલો બાંધવાનું શરૃ કર્યું તે દિવાલ ઉંચે જતી ભરતી અને દરિયાઈ તોફાનો આડે કોટ તરીકે બાંધવામાં આવી રહી હતી. સમુદ્રની દિવાલો ઘણી જગ્યાએ દરિયાઈ તોફાનો સામે અસરકારક નીવડી છે. તેમાં માલદિવની રાજધાની 'માલ'નો પણ સમાવેશ થાય છે. ત્સુનામી સામે તેનાથી રક્ષણ મળેલ છે. તેમનાથી પરવાળાના ખડકો પરથી વહેતા પ્રવાહને ઘટાડયો પણ છે. પ્રવાહની ઝડપ એક સેકન્ડના દશ મીટર વિના પરવાળા મૃત્યુ પામે. તેના કારણે દરિયાકાંઠાને ઘસારો લાગવાથી ટાપુઓની કુદરતી આડશ દૂર થશે.
૨૦૦૮માં જે સરકાર આવી તેનું આયોજન જુદું હતું. તેણે ટાપુઓના પ્રાકૃતિક બચાવને ઉત્તેજ આપવાની નીતિ ઘડી. તે માટે પરવાળાના ખડકોને પુનઃસ્થાપિત કરવા અને દરિયા કાંઠે વનસ્પતિ ઉગાડવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પણ હવે બહુ મોડુ થયું છે.

એવા નિર્દેશ મળ્યા છે કે પરવાળાને વોર્મિંગની અસરોથી બચાવી શકાય છે. 'વાબિન ફારૃ આઈલેન્ડ'ના 'બન્યન ટ્રી રીસોટે' એ દરિયાઈ જીવ વિજ્ઞાાન (મરીન બાયોલોજીસ્ટ) રોબર્ટ ટોમાસેટ્ટીને નાખ્યા છે. તેણે પ્રયોગોમાં શોધી કાઢેલ છે કે કોન્ક્રીટની ફ્રેમોમાં અથવા નિમ્ન વોલ્ટેજ વિદ્યુત કવચ પર ગરમી સતી શકે તેવા પરવાળાને રોપેલા. તે પરવાળા વૃધ્ધિને ઉત્તેજીત કરે છે તે ટૂંકાગાળા વોર્મિંગને વધારે સારી રીતે સહન કરી શકે છે અને બચી જાય છે જ્યારે બીજા પરવાળા મરી જાય છે. આ પ્રયોગોને મોટાપાયે કરવામાં આવે તો તેનાથી પરવાળાના ખરાબા જીવીત રહી ઘસારાને ધીમું પાડે છે અને ટાપુ પર વસનારાને થોડો વધુ સમય મળી રહે છે. પરંતુ ઉપરોક્ત જીવ વિજ્ઞાાની ગરમી સહી શકે તેવા પરવાળાને ખરાબાના વધારે ખુલ્લા રહેતા ભાગો પર રોપવા ઇચ્છે છે જેથી ખરાબા પર પરવાળાનું આવરણ રચી શકાય. પરંતુ તેમના કહેવા પ્રમાણે તે માટેના સાધનો તેમની પાસે નથી. તેથી પ્રવાસીઓ માટે નાના નાના પરવાળાના ખરાબાની વૃધ્ધિ કરી રહ્યા છે. અન્ય એક તજ્જ્ઞાના મતે અત્યારે કોઈ ટેકનોલોજી નથી જે હજારો કિલોમીટર પરવાળાના ખરાબાઓ એટલે કે પ્રવાલ ખડકોની પુનઃ વૃધ્ધિ કરાવી શકે. તેમ માલદિવના ટાપુઓમાં દરિયાની સપાટીનું લેવલ ઉંચે જવાની અસરથી બચવા તેનો ઉપયોગ મર્યાદિત છે

પરંતુ દરિયાના કાંઠા પર લીલોતરી પુનઃવૃધ્ધિ નોંધપાત્ર અસર કરી શકે. 'કાંધોલહુડૂ' ટાપુ પર ત્સુનામી દરમ્યાન જે ખાના ખરાબી થઈ તેનું કારણ મકાનો બાંધવા નિકર્ષણ (ડ્રેજીંગ) કરવામાં આવ્યું હતું અને મેન્ગ્ઁ્રવનો લાકડું મેળવવા આડેધડ નાશ કરવામાં આવ્યો હતો. તેનાથી કાંઠાઓ ખુલ્લા થઈ ગયા હતા. જમીનને ફળદ્રુપતા આપતી ઉપરની માટીને બાંધી રાખતા વૃક્ષોના મૂળ ન રહેતાં તેનું ધોવાણ થઈ ગયું. આયોજનપૂર્વક મેન્ગ્ઁ્રવના પ્લાન્ટેશનનું પ્રબંધન (મેનેજમેન્ટ) કરવામાં આવે તો સમુદ્રની સપાટીનું લેવલ ઉંચે જવાથી થતા ધોવાણ સામે આડશ ઉભી કરી શકાય અને કેટલીક વનસ્પતિની જાતિઓ પાંચથી દશ વર્ષમાં જ વિકસીત થઈ જતી હોઈ, તેના પ્રમાણ લાભો જલ્દી મળવા લાગે.
સમય જલ્દીથી રહેતો જતો હોવાથી કેટલાકને લાગે છે કે માલદિવને બચાવવા માટે પૂર્વવત્ સ્થિતિ પુનઃ સ્થાપવા માટે પૂરતો સમય નથી. માલદિવની સ્થાનિક 'બ્લ્યુપીસ' એનજીઓ/માને છે. માલદિવે મોટા ફલક પર વિચારવાનો સમય પાકી ગયો છે. ઘણું મોટું વિચારવું પડે તેમ છે. તેની દલીલ છે કે માલદિવના દ્વિપસમુદ્ર કરતાં શ્રેણીબધ્ધ ઉંચાણવાળા કૃત્રિમ દ્વિપોની જરૃર છે. 'બ્લ્યુપીસ'ના સૂચન પ્રમાણે સાત ટાપુઓ બાંધવાની જરૃર છે જે માલદિવની બધી વસ્તીને ઉંચે જતા પાણીની સામે બચાવે. અલબત્ત તેનો ખર્ચ સંભવતઃ આંતરરાષ્ટ્રીય સંસ્થા આપી શકે.

આ વિચાર કાંઈ તુક્કા જેવો નથી એક કૃત્રિમ ટાપુ કે જેનું નામ 'હુલ્હુમાલે' છે તેને તેની રાજધાનીના ઉત્તર પશ્ચિમે બાંધવામાં પણ આવ્યો છે. જો કે તેની ડીઝાઈન ખાસ કરીને વ્યાપારી બંદર તરીકેની છે કે જેથી રાજધાનીને વધારે પડતી વસ્તીમાં રાહત આપી શકે. પરંતુ તે દરિયાની સપાટીથી ત્રણ મીટર ઉંચે છે. તે એકાદ સદી તો ટકી શકવા પૂરતી છે.

માલદિવના લોકોને હવામાનના હિજરતીઓ બનતા રોકવા માટે દુનિયામાં અન્યત્ર જમીન ખરીદી તેના પર વસવાટ કરવાનો વિચાર પણ ત્યાંની સરકારનો છે. તે માટે તે પ્રવાસનની થતી આવકમાંથી તે ભંડોળ કરી રહેલ છે.
માલદિવનું ભાવિ બાકીના જગત પર નિર્ભર છે. આપણે જે વાતાવરણમાં ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન કરી રહ્યા છીએ અને આપણે મહેનતથી કમાયેલા આપણા નાણાં આપણે ત્યાં અને કેવી રીતે વાપરીયે છીએ તે સૌથી નીચાણવાળા અને સૌથી સુંદર એવા દેશને તારશે કે મારશે.

પરવાળા અને પરવાળાના ટાપુઓ
કોષ્ઠાંત્રી સમુદાયના પુષ્પજીવ વર્ગના લઘુજીવો દ્વારા નિર્માણ થતી ચૂના-પથ્થરની રચનાને પરવાળાં (પ્રવાલ) કહે છે. તેના નિર્યાણક લઘુજીવોને પણ પરવાળા કહે છે. તેની ચૂના-પથ્થરની રચના શાખા પ્રબંધિત વનસ્પતિ, મોટા ધુંમટ, અનિયમિત આકારનો ભૂકવચ, ખડક, પંખા કે નળાકાર આકૃતિઓ જેવી વિવિધ પ્રકારની હોય છે. પરવાળા જીવો કથ્થાઈ, લાલ, પીળા, હરિત જેવા રંગના હોય છે. જૂના જીવો મૃત્યુ પામતાં નવા સજીવો તેમના કંકાલમાં ઉમેરો કરે છે. અને તેથી રચનાનો વિસ્તાર વધે છે. તેથી લાખો-કરોડો વર્ષો સુધી પથ્થરમાં સતત ઉમેરો થતાં કેટલાક આવા સમુહો ટાપુઓ બન્યા છે.

પરવાળાના ખરાબાઓમાંય ઉદ્ભવેલ ટાપુઓને પરવાળાના ટાપુઓ કહે છે. કેલ્શિયમ કાર્બોરેટથી બનેલી આ ભવ્ય શ્રેણીઓનું નિર્માણ પરવાળા નામે ઓળખાતાં કવચ, આવરણ ધારી જીવો તથા કેલ્શિયમના રસનો સ્ત્રાવ કરતાં પોલીસ દ્વારા થતું રહે છે. આ પ્રકારનો સ્ત્રાવ આવા પ્રાણીઓ (જીવો) પોતાના દેહની આજુબાજુ કેલ્શિયમ આવરણ રૃપે આરણદિતી કરે છે. સમુદ્ર જળમાં ધોળાયેલા રહેતાં કેલ્શિયમ કાર્બોનેટ ખેંચીને પોલીપ પોતાના દેહની આજુબાજુ સ્ત્રાવ દ્વારા પવાલાં આકારની રચનાઓ ઉભી કરે છે. પરવાળાના ખડકો આ રીતે બને છે. જેમ જેમ પરવાળાના ખડકો એટલે કે પ્રવાલ ખડકોનો વિસ્તાર વધતો જાય તેમ તેમ ઉપર તરફ તે પણ વધતા જાય છે. નીચે તરફ જૂના થયેલા પરવાળા મરી જાય છે. પરંતુ તેણે બનાવેલા પાળખાં ખરાબાઓ તરીકે રહી જાય છે. ખરાબાઓની ઉપર અને આસપાસ તેમના વંટાને વિકસતા રહે છે. જૂનાં થયેલા મૃત પરવાળાના માળખા કઠણ ચૂનાના ખડકો રૃપે જળવાઈ રહે છે. જેમ જેમ સમુદ્રની સપાટીની નજીક આવે છે તેમ તેમ તેમનો ઉદર્વમુખ વિકાસ અવરાધાય છે. ખુલ્લા વાતાવરણાં તે જીવિત રહી શકતા નથી. સમુદ્રની ઉંડાઈ અને તાપમાનની પરવાળાના વિકાસ અને વિસ્તરણ પર ઘણી અસર પડે છે.


- ડો. વિહારી છાયા

0 comments:

Post a Comment