'કર્નલસાહેબ, આ તળાવમાં નહાવા ન જશો કે એના પાણીનો પણ ઉપયોગ ન કરશો. આ
ઠકરાણી વહુનું તળાવ છે. જે કોઈ એનો ઉપયોગ કરે છે તે આપત્તિમાં મુકાય છે'
ભૂત-પ્રેતને લગતી ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. આવી એક સત્ય ઘટના ઈ.સ.
૧૮૯૭માં અંગ્રેજ અફસર કર્નલ ગોરિંગને અનુભવ થઈ હતી. આ ઘટના મધ્યપ્રદેશના
ઐતિહાસિક તીર્થસ્થળ 'બાંદકપુર' ખાતે બની હતી જે 'દમોહ' જનપદમાં આવેલું છે. આ
બાંદકપુર પાસે એક નાનુ સરખુ ગામ છે જેનું નામ છે 'આનૂ' અત્યારે તો ત્યાં
હાઈસ્કૂલ, પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર બનેલા છે પણ તે વખતે ત્યાંનો પ્રદેશ
ઉજ્જડ હતો અને ક્યાંક થોડી ઝુંપડીઓ જોવા મળતી હતી. કર્નલ ગોરિંગ તે સમયે તે
પ્રદેશના બંદોબસ્ત અધિકારી હતા તે દમોહ ક્ષેત્રમાં દુષ્કાળ પીડિત લોકોને
રાહત પૂરી પાડવાની કામગીરી કરતા હતા. એ માટે ઘોડા પર સવાર થઈને દરેક ગામની
મુલાકાત લેતા. એમની સાથે તેમનો સહાયક કલ્લૂ અને રસોયો અહમદ અલી પણ હતા.
તે વખતે માર્ચ મહિનો ચાલી રહ્યો હતો. ગર્મીની શરૃઆત થઈ ગઈ હતી. સાંજના સમયે
કર્નલ ગોરિંગ 'આનૂ' ગામ પાસે પહોંચ્યા. ત્યાંથી થોડે આગળ આવ્યા તો તેમણે
એક સુંદર તળાવ જોયું. તેમને લાગ્યું કે બપોરનો થાક ઉતારવા અને થોડો આરામ
કરવા આ જ યોગ્ય જગ્યા છે. એટલે તે ત્યાં ઊભા રહ્યા. ઘોડા પરથી ઉતર્યા અને
તળાવ પાસે જવા લાગ્યા ત્યારે તેમણે જોયું કે તેના કિનારે લગભગ એંસી વર્ષની
ઉંમરના એક વૃદ્ધ સાધુ બેઠેલા છે. સાધુએ કર્નલનું અભિવાદન કર્યું અને કર્નલે
પણ સાધુને પ્રણામ કર્યા. કર્નલને તળાવ તરફ આગળ વધતા જોઈ સાધુએ કહ્યું -
'કર્નલસાહેબ, આ તળાવમાં નહાવા ન જશો કે એના પાણીનો પણ ઉપયોગ ન કરશો. આ
ઠકારાણી વહુનું તળાવ છે. જે કોઈ એનો ઉપયોગ કરે છે તે આપત્તિમાં મુકાય છે.
મારી ફરજ સમજી હું તમને સાવધાન કરું છું.'
એ વૃદ્ધ સાધુની વાત સાંભળી
કર્નલ ગોરિંગ હસી પડયા અને કહેવા લાગ્યા- 'તળાવનું પાણી ઉપયોગમાં લેવાથી
આપત્તિ આવે ? આવા કોઈ વહેમમાં હું માનતો નથી.' એ તો તળાવ સુધી પહોંચી ગયા
અને તળાવના પાણીથી હાથ-પગ-મોં વગેરે ધોઈ તેનું પાણી માથે ચડાવી ગરમાવો દૂર
કરવા લાગ્યા. આ જોઈ વૃદ્ધ સાધુ દુઃખ વ્યક્ત કરવા લાગ્યા અને આકાશ તરફ બન્ને
હાથ લાંબા કરી પ્રાર્થના કરવા લાગ્યા પછી ત્યાંથી ઊભા થઈ જંગલ તરફ ચાલી
નીકળ્યા. થોડીવાર ગામના આગેવાન લોકોને ખબર પડી કે કર્નલસાહેબ આવ્યા છે એટલે
તેમને લેવા તે તળાવના કિનારે આવી પહોંચ્યા. આનૂ ગામના વૃદ્ધ ખેડૂત
મુલાયમસિંહ પટેલે કર્નલને કહ્યું- 'ભલે અમે ગરીબ લોકો છીએ છતાં તમારા
સ્વાગતમાં કોઈ કમી નહીં રાખીએ. તમારા રહેવાની વ્યવસ્થા અમે હવેલીમાં કરી
દીધી છે. કર્નલ એમની વિનંતીનો અનાદર કરી શક્યા નહીં. એટલે એમના મહેમાન બની
મુલાયમસિંહ સાથે એમની હવેલીએ ગયા. વાતચીત દરમિયાન કર્નલને જાણવા મળ્યું કે એ
ગામમાં દુષ્કાળનો પ્રકોપ ઓછો હતો એટલે એમને રાહત થઈ.'
કર્નલે મુલાયમસિંહને પેલા તળાવ અને વૃદ્ધ સાધુની વાત કહી. તળાવનું નામ
સાંભળતાં જ પટેલ અને ગામના આગેવાનોનું મોં ફિક્કું પડી ગયું. તેમણે ગભરાઈને
પૂછ્યું પણ ખરું - ''સાહેબ, તમે એ તળાવના પાણીનો ઉપયોગ તો નથી કર્યો ને?''
કર્નલે કહ્યું - 'મેં સાધુની વાત માની નહોતી. મેં એ પાણીથી જ મારા
હાથ-પગ-મોં ધોયા હતા અને માથે ઠંડક લાવવા એનું પાણી માથા પર પણ નાંખ્યું
હતું.' આ સાંભળી તે બધા બોલી ઉઠયા - સાહેબ, આ તમે ઠીક ન કર્યું. તમે કોઈને
કોઈ વિપત્તિનો ભોગ બનશો. આવું હંમેશ બન્યું જ છે. કર્નલે પૂછ્યું- 'આ
તળાવના પાણીમાં એવું તે શું છે ?' મુલાયમસિંહ પટેલે કહ્યું - 'હુજૂર, આ
તળાવ પ્રેતાત્માના પ્રભાવવાળું છે. એવું કહેવાય છે કે ભૂતકાળમાં બાંદકપુરની
એક ઠકરાણીએ એ તળાવમાં પડીને પોતાના જીવનનો અંત આણ્યો હતો. મર્યા પછી તેનો
આત્મા એ તળાવ પાસે ભટકે છે. તેને એ તળાવમાં સ્નાન કરવું બહુ ગમતું હતું અને
એમાં જ પડતું મૂકીને તે મરી ગઈ એટલે તેને કોઈ એ પાણીનો ઉપયોગ કરે તે ગમતું
નથી. જો કોઈ એમ કરે તો તેનો આત્મા તેને પરેશાન કરે છે. કર્નલે હસીને
કહ્યું - તમેય ખરા વહેમી અને અંધશ્રધ્ધાળુ છો. કોઈકે મનગઢંત વાત કહી અને
તમે સાચી માની તળાવનો ઉપયોગ જ બંધ કરી દીધો !'
કર્નલને હવેલીમાં જે ઓરડામાં ઉતારો આપ્યો હતો તેની બારીમાંથી એ તળાવ સ્પષ્ટ
દેખાતું હતું. કર્નલને કોઈક કારણથી ઊંઘ આવતી નહોતી. રાત્રિના બારેક વાગ્યા
હશે. એમને બારીની બહાર કોઈ અવાજ સંભળાયો. તે બારી પાસે ગયા તો ત્યાં એક
અત્યંત સુંદર યુવાન સ્ત્રીને ઊભી રહેલી જોઈ. તેણે કર્નલને કહ્યું - 'સાહેબ,
તમે અમારા રક્ષક અને અન્નદાતા છો. મારી ઈજ્જત ખતરામાં છે. મારું રક્ષણ
કરો.' એના ચહેરા પર વેદના દેખાતી હતી. ચંદ્રના પ્રકાશમાં પણ તે કળી શકાતી
હતી. કર્નલ પોતાની રાઈફલ લઈને બહાર આવ્યા અને તેની પાસે જઈને તેની તકલીફનું
કારણ પૂછ્યું - તેણે વેદનાભર્યા અવાજે કહ્યું - 'સરકાર, મારો પતિ પરદેશ
ગયો છે. મારા સસરાની નિયત ખરાબ છે. તેથી જ હું ભાગીને અહીં આવી છું. તો મને
મદદ કરો.' તે ચાલવા માંડી અને કર્નલ પણ તેની પાછળ પાછળ જવા લાગ્યા.
રસ્તામાં પેલું તળાવ આવ્યું એટલે એ સીધી તરફ જ ગઈ. કર્નલ ગોરિંગ પણ તેને
અનુસરી તળાવની પાળ પાસે અટકી ગયા. ત્યાં પાછળથી મુલાયમસિંહ પટેલ, કલ્લૂ અને
અહમદ ત્યાં આવી પહોંચ્યા. તેમણે કર્નલને બહાર જતા જોયા હતા એટલે આશ્ચર્યથી
એમની પાછળ આવ્યા હતા. તેમણે અહીં આવવાનું કારણ પૂછ્યું તો કર્નલે પેલી
યુવતીની વાત જણાવી. મુલાયમસિંહે કહ્યું - એ યુવતી બીજું કોઈ નહીં એ ઠકરાણી
વહુનો પ્રેતાત્મા જ હતો. એટલે જ તો તે તમને અહીં લઈ આવી જ્યાં તેણે
આત્મહત્યા કરી હતી. સારું થયું અમે અહીં આવી ગયા. નહીંતર તે તમને છેક અંદર
પાણીમાં ખેંચી જાત અને તમારા પ્રાણ હરી લેત! હવે કર્નલ ગોરિંગ પેલી સુંદર
યુવતીના મોહપાશથી મુક્ત થયા. તે ભાનમાં આવ્યા અને તેમને પોતાની ભૂલ સમજાઈ.
વહેલી સવારે ચાર વાગે કર્નલ તેમના સાથીદાર અને રસોયાને લઈને એ ગામ છોડી
દમોહ તરફ જવા નીકળી ગયા. આ ગામમાં રહેવું તેમને જોખમરૃપ લાગ્યું. રસ્તામાં
તેમને કોઈ વ્યક્તિ હાથમાં મશાલ લઈને તેમના તરફ આવતી દેખાઈ. એ મશાલનો અગ્નિ
ગોળાની જેમ તેમની તરફ આગળ વધી રહ્યો હતો. તે વ્યક્તિ એકાએક તેમના તરફ જોરથી
ધસીને હુમલો કરવા લાગી. કર્નલે તેનો હાથ પકડી લીધો અને તે કોણ છે તે જોવા
નજર કરી તો તેમના શરીરમાંથી ભયાનક કંપારી વછૂટી ગઈ કેમકે તે એક હાડપિંજર
હતું ! બીજી જ પળે તેમને તેની જગ્યાએ પેલી સુંદર યુવતી જોવા મળી જે થોડા
કલાકો પહેલાં તેને તળાવ સુધી ખેંચી ગઈ હતી. એ ઠકરાણીનું ભૂત જ હતું. એ
સમજતા તેમને વાર ન લાગી. કલ્લૂ અને અબ્દુલે એ પ્રેતાત્મા પર કંઈ નાંખ્યું
એટલે તે ત્યાં અટકી ગયો. તે બન્ને કર્નલને લઈને ત્યાંથી ઝડપથી ભાગ્યા. આમ,
તેમનો જીવ માંડ માંડ બચ્યો.
આપણો દેશ સ્વતંત્ર થયો એટલે
કર્નલ ગોરિંગને ભારત છોડવું પડયું. જ્યારે તેમણે પોતાના સંસ્મરણો લખ્યા
ત્યારે તેમણે આ ઘટના તથા ઠકરાણી વહુના તળાવ વિશે વિસ્તારપૂર્વક પોતાના
સ્વાનુભવ લખ્યા હતા. જેને પોતે વહેમ અને અંધશ્રદ્ધા માનતા હતા તે
પ્રેતાત્માના અસ્તિત્વ વિશે તે માનતા થઈ ગયા હતા એવું એમણે કબુલ કર્યું
હતું.



0 comments:
Post a Comment