Pages

Subscribe:

Blogger templates

Monday, 3 December 2012

વિટામિન 'ડી' ની થોડી નવાજુની

મેડીકલ સાયન્સ સતત બદલાતુ સાયન્સ છે. તા. ૧૫-૪-૨૦૧૨ને દિવસે 'વિટામિન ડી એટલે સનશાઈન વિટામિન' આવો લેખ ગુજરાત સમાચારમાં આપેલો. ઘણા બધા વાંચકોના પત્રો અને ફોનથી આ વિટામીન બાબતમાં થોડી ગુંચવણ છે એ જણાયું. આજે આધુનીક સંશોધનોથી વિટામિન ડી માટે જે નવી વાતો જાણવા મળી છે તેની વાત પ્રશ્નોત્તરી રૃપે કરીશું. સાવ સામાન્યથી માંડી થોડી વધારે જાણકારી મળે એટલા માટે વાંચકોના પ્રશ્નોના જવાબ આપીશું.

સ ઃ વિટામિન એટલે શું?
જ ઃ કુદરતમાંથી મળતા બધા જ વનસ્પતિજન્ય અને પ્રાણીજન્ય પદાર્થોમાં રહેલા બધા જ ઓર્ગેનીક પદાર્થો જેની શરીરની વૃધ્ધિ માટે અને દરેક અવયવને તંદુરસ્ત રાખવા માટે શરીરને અલ્પ પ્રમાણમાં જરૃર પડે છે તેને વિટામિન કહે છે.

સ ઃ કુલ કેટલા વિટામિન કુદરતી પદાર્થોમાંથી મળે?
જ ઃ દાખલા આપીએ તો ૧. વિટામિન એ ૨. વિટામિન બી-કોમ્પ્લેક્ષ જેમાં વિટામિન બી-૧ (થાથામિન) વિટામિનબી૨ (રીબોફ્લેવીન), વિટામિન બી-૩ (નાથાસીન) વિટામિન બી-૫ (પેન્ટોક્ષેનીક એસીડ), વિટામિન બી-૬ (આયરોડોક્સીન) વિટામિન બી-૭ (બાયોટીન), વિટામિન બી-૮ (ફોલીક એસીડ) અને વિટામિન બી-૧૨ (કોલોલેમીન) - આ આઠ વિટામીન સમુહમાં વિટામીન બી-કોમ્પ્લેક્ષ તરીકે ઓળખાય છે. આ સિવાય સંશોધકોએ વિટામિન બી-૧૩ (એમીગ્લેડીન) (લીએટ્રોલ) અને વિટામિન બી-૧૫ (પેન્ગેમીક એસીડ-ડી એમ-૭) આ બન્ને પદાર્થો વિટામિન પણ નથી અને પૌષ્ટીક પદાર્થો પણ નથી અને એના ઉપયોગથી બધા જ રોગો મટી જાય છે એવો દાવો કરવામાં આવે છે તે સદંતર ખોટો છે એટલે ફાયદાને બદલે નુકશાન કરનારા આ કહેવાતા વિટામીન લેશો નહીં. આ સિવાય ૩. વિટામિન સી ૪. વિટામિન ડી ૫. વિટામિન ઈ ૬. વિટામિન કે - આ બધાને ગણીએ તો બી-કોમ્પ્લેક્ષના આઠ અને બીજા પાંચ મળી તેર વિટામીન છે.

સ ઃ વોટર સોલ્યુબલ એન્ડ ફેટ સોલ્યુબલ વિટામિન કયા?
જ ઃ પાણીમાં ઓગળી જાય અને શરીર જેનો સંગ્રહ ના કરી શકે તેને 'વોટર સોલ્યુબલ' વિટામિન કહેવાય. વિટામિન સી અને વિટામિન બી-કોમ્પ્લેક્ષ વોટર સોલ્યુબલ ગણાય છે. જ્યારે ચરબીમાં ઓગળી જાય તેવા વિટામિનને 'ફેટ સોલ્યુબલ' વિટામિન કહેવાય. વિટામિન એ, વિટામિન ડી, વિટામિન ઈ અને વિટામિન કે ફેટ સોલ્યુબલ છે.

 સ ઃ બધા વિટામિનમાં શ્રેષ્ઠ વિટામિન કયું?
જ ઃ બધા જ વિટામિન શ્રેષ્ઠ ગણાય કારણ તેના વગર માનવીના શરીરમાં ઘણી અવ્યવસ્થા થઈ જાય. દરેક વિટામિન પોતાની રીતે શરીરના સંચાલનમાં અને બધા જ અવયવોને સુસજ્જ રાખવા જરૃરી છે. બીજી રીતે જોઈએ તો વિટામિન ડી ફક્ત એવું વિટામિન છે, જે શરીર સૂર્યના તડકાને લીધે ચામડી નીચે બનાવે છે. બાકીના બધા વિટામિન કુદરતી વનસ્પતિજન્ય અને પ્રાણીજન્ય પદાર્થોમાંથી મળે છે. આ રીતે જોતાં 'વિટામિન ડી'ને શ્રેષ્ઠ ગણી શકાય. તડકાને કારણે શરીર ઉત્પન્ન કરતું હોવાથી તેને 'સનશાઈન' વિટામિન પણ કહે છે.

સ ઃ વિટામિન ડી શરીરની ચામડી નીચે કેવી રીતે ઉત્પન્ન થાય?
જ ઃ વિટામિન ડી જે વિટામિન ડી-૩ અથવા કોલેકેલ્સીફેસેલ તરીકે ઓળખાય છે તે ફોટો કેમીકલ પ્રોસેસથી ૭-ડીહાઈડ્રો કોલેસ્ટ્રોલ જે મનુષ્યમાં અને મોટાભાગના પ્રાણીઓની ચામડી નીચે હોય તેમાંથી સુર્યના તડકામાં રહેલા અલ્ટ્રાવાયોલેટ જે 'યુ.વી.બી.' ટાઈપના હોય છે અને જેની વેવલેન્થ ૨૭૦ થી ૩૦૦ એન.એમ. તેને કારણે ખાસ કરીને ૨૯૫ થી ૨૯૭ જેટલા વેવલેન્થને લીધે ૭-ડીહાઈડ્રો કોલેસ્ટ્રોલમાંથી વિટામિન ડી બને છે. ચામડીના બે લેયર (પડ) હોય છે બહારનું પાતળું 'એપીડઝસ' કહેવાય છે. જ્યારે અંદરનું પડ 'ડર્માસ' કહેવાય છે. હથેળી અને પગના તળીયામાં થીક (જાડી) એપીડર્માસ છે જેના પાંચ પડ છે. વિટામિન ડી છેક અંદરના 'સ્ટ્રેટમ બેઝલ' અને 'સ્ટ્રેટમ સ્પાઈનોઝમ'માં બને છે.

સ ઃ આરોગ્ય ઉપર બજારમાં મળતા સપ્લીમેન્ટ કામ કરે ખરા ?
અમેરિકા સ્થિત 'ઈન્સ્ટીટયુટ ઓફ મેડીસીન' (આઈ.ઓ.એમ.)ના સંશોધકોના જણાવ્યા પ્રમાણે બજારમાં મળતી વિટામિન ડીની ગોળીઓ (સપ્લીમેન્ટ)ની શરીર ઉપર અસર વિશે ચોક્કસ કંઈ કહી શકાય નહીં એટલા માટે ૧. કેન્સર ૨. હાર્ટ ડીસીઝ ૩. બીપી ૪. ડાયાબીટીસ ૫. મેટાબોલિક સિન્ડ્રોમ માટે વધારે આધાર સપ્લીમેન્ટ કરતાં તડકાના અલ્ટ્રાવાયોલેટથી શરીરની ચામડી નીચે ઉત્પન્ન થતા વિટામિન ડી ઉપર વધારે આધાર રાખવો જોઈએ. બીજા કેટલા સંશોધકો લેબોરેટરીમાં બનાવેલ વિટામીન ડી માટે સારો અભિપ્રાય આપે છે પણ તેઓ પુરેપુરી ચકાસણી ટ્રાયલ અને કડક નિયંત્રણોમાંથી તૈયાર કરી સપ્લીમેન્ટ વાપરવાની સલાહ આપે છે.

સ ઃ વિટામિન ડીના પ્રકાર કેટલા છે?
જ ઃ ૧. વિટામિન ડી-૧ જે મોલેક્યુલર કમ્પાઉન્ડ છે.
૨. વિટામિન ડી-૨ જે અર્મોસ્ટરોલમાંથી બનાવાય છે અને અર્મોકેલ્ટન ફેસેલ તરીકે બજારમાં મળે છે.
૩. વિટામિન ડી-૩ જે કોલેકેલ્સીફેટોલ તરીકે ઓળખાય છે. અને ૭.-ડી હાઈકોલેસ્ટ્રોલમાંથી માનવીની ચામડી નીચે બને છે. શરીરના આરોગ્યની જાળવણી માટે આ ત્રીજુ વિટામિન ડી-૩ જરૃરી છે જે સામાન્ય ભાષામાં 'વિટામિન ડી' તરીકે જાણીતું છે.

 સ ઃ શરીરમાં વિટામિન ડી કેટલું જોઈએ?
જ ઃ વિટામિન ડીની શરીરમાં જરૃરત જન્મથી ૧૮ વર્ષ સુધી ૫ માઈક્રોગ્રામ અથવા ૨૦૦ ઈન્ટરનેશનલ યુનીટ ગણાય. ૧૯ થી ૫૦ વર્ષ સુધી પણ લગભગ ૬ માઈક્રોગ્રામ અથવા ૨૫૦ ઈન્ટરનેશનલ યુનીટ ગણાય પણ ખરી જરૃરત ૫૦ થી ૭૦ વર્ષ અથવા તેથી વધારે ઉંમરના સ્ત્રી પુરુષો માટે ૧૦ થી ૧૫ માઈક્રોગ્રામ અથવા ૪૦૦ થી ૬૦૦ ઈન્ટરનેશનલ યુનીટ જેટલી જરૃરત પડે.

 સ ઃ શરીરમાં વિટામિન ડી ઓછું છે એની ખબર કેવી રીતે પડે?
ટ્રોપીકલ કંન્ટ્રીઝ - જ્યાં સુર્ય ભગવાનની ૧૨ માસમાંથી ૮ થી ૧૦ માસ સુધી કૃપા હોય ત્યાં કાંઈ પ્રોબ્લેમ નથી. પણ ૧. જેમ જેમ ઉંમર થાય ત્યારે ૨. શારીરિક શ્રમ ઓછો થાય ત્યારે ૩. ઘરમાંથી બહાર નીકળવાનું થાય નહીં એટલે વિટામિન ડી જરૃરત કરતાં અર્ધુ ઉત્પન્ન થાય. આ સિવાય ૪. કિડની કે લીવરનો રોગ થયો હોય ત્યારે પણ ચામડી નીચે વિટામિન ડી ઓછું ઉત્પન્ન થાય. ૫. કોલેસ્ટ્રોલ ઓછું કરવાની દવાઓની અસરથી પણ વિટામિન ડી ઓછું બને. ૬ ઉંઘની દવા, એલર્જીની દવા આંચકીની, દવા લેતા હોય તો શરીરમાં વિટામિન ડી નાશ પામશે.
વિટામિન ડી શરીરમાં ઓછું થઈ ગયું છે તે લેબોરેટરીની તપાસથી ખબર પડે. જ્યારે પ્રમાણ ૨૦૦ ઈન્ટરનેશનલ યુનીટથી ઓછું થઈ જાય ત્યારે મૃત્યુ પણ થાય.

સ. ઃ વિટામિન ડીનું શરીરમાં કાર્ય શું?
તમારા શરીરમાં રહેલા બધા જ નાના મોટા હાડકાના બંધારણમાં કેલ્શ્યમ અને ફોસ્ફરસ નામના મિનરલ ખૂબજ જરૃર છે. આ કેલ્શ્યમ અને ફોસ્ફરસ દુધ-દુધની બનાવટો, તાજા ફળો, લીલા શાકભાજીમાંથી મળે છે. આ સિવાય લગભગ બધાં જ સુકા મેવા અને તેલીબીયાંમાંથી પણ આ બન્ને પદાર્થો મળે છે. જો તમારા શરીરમાં વિટામિન ડીનું યોગ્ય માત્રામાં પ્રમાણ લેવાય નહીં તો આ બન્ને મિનરલની હાડકા ઉપરાંત દાંત-વાળ-નખની મજબુત બનાવવાની ક્રિયા યોગ્ય રીતે થાય નહીં. અહીં લખવાનું મન થાય કે માનવી પરમેશ્વરે આપેલી અદ્ભુત ભેટનો ઉપયોગ કરવામાં કેટલો ઊણો પડયો છે. કુદરતી પદાર્થોમાં રહેલા કેલ્શ્યમ અને ફોસ્ફરસ લેતો નથી. તડકામાં ચાલવા કે બીજી કોઈ પણ કસરત કરતો નથી. હાથ ને પગ જે પ્રભુએ આપ્યા છે તે હલાવવા ને ચલાવવાનું ભૂલી ગયો છે. દરેક વખતે યંત્રની સહાય લીધી છે. હવામાં ૧૦ ટકા ઓક્સીજન છે ને ફેફસામાં ૧૦ લાખ જેટલા ફૂગ્ગા (એલવેલાઈ) આપ્યા છે તેને ભરવામાં પણ આળસ કરી ગયો છે. આ અદ્ભુત વિટામિન-ડી તમારા શરીરના નાના મોટા સ્નાયુની સંકોચન અને મોટા થવાની ક્રિયામાં પણ આડકતરી રીતે મદદ કે છે. તમારા શરીરને રોગ સામે લડવાની શક્તિને વધારવાનું કામ પણ વિટામિન-ડી કરે છે.

 સ ઃ વિટામિન ડી કઈ રીતે શરીરને રોગરહીત રાખે છે?
જ ઃ ૧. હાડકા બનાવવા અને મજબુત રાખવા વિટામિન-ડી ખુબ મદદ કરે છે. જો યોગ્ય પ્રમાણમાં આ વિટામિન ના લેવામાં આવે તો નાના બાળકોમાં 'રીકેટસ' અને મોટામાં 'ઓસ્ટોમેલેસીઆ' નામનો રોગ થાય છે. જો આ રોગ થાય તો હાડકાં મજબૂત ના હોવાથી દરદી વારે વારે પડી જાય અને હાડકા ભાગી જાય.

૨. મલ્ટીપલ સ્કલરોસીસ (એમએસ) નામનો રોગ વિટામિન ડીની ખામીથી થાય છે.

૩. હૃદયરોગ ના થાય માટે વિટામિન ડી લેવું જોઈએ પણ આ બાબતમાં સંશોધકો ખાત્રી નથી આપી શકતા. 

૪. પહેલાં 'આઈ.ઓ.એમ.'ના સંશોધકો એમ માનતા હતા કે વિટામિન ડી પ્રોસ્ટેટ કેન્સરમાં મદદ નથી કરતું પણ વિટામિન ડીના ઉપયોગ વિશે વિસ્તૃત સંશોધન કરનાર યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિઆના ડૉ. સ્વાર્ટબર્ગના મત પ્રમાણે વિટામિન ડી હવે નીચે જણાવેલા બધા જ રોગોમાં મદદ કરે છે તે વાત નક્કી થઈ ગઇ છે.

૧. હાડકા નબળા પડવા (ઓસ્ટીઓપોરોસીસ-ઓસ્ટીઓપીનીઆ)

૨. વારેવારે પડી જવું ને હાડકા ભાંગવા

૩. બ્રેસ્ટ કેન્સર

૪. હૃદયરોગ

૪. આંતરડાના કેન્સર

૫. બી.પી.

૬. પ્રોસ્ટેટ કેન્સર

૭. ઈમ્યુનીટી વધારે

૮. ચામડીનું કેન્સર

૯. મલ્ટીપલ સ્કલરોસીસ (એમ.એસ.)

૧૦. જાડાપણું (ઓબેસીટી)

૧૦ ક્રોનીક ઓલ્સ્ટ્રક્ટીવ પલ્મોનરી ડીસીસ (સી.ઓ.પી.ડી.)

૧૦ યાદશક્તિ સંપૂર્ણ જતી રહેવી (ડીમેન્શીઆ)

૧૧. દાંતનું આરોગ્ય

૧૨. ડાયાબીટીસ.

૧૩ સોરાએસીસ

૧૪. ડીપ્રેશન

૧૫. કંપવા (પાર્કિન્સન્સ ડીસીઝ) આ સિવાય ગર્ભવતી સ્ત્રી જો નિયમિત વિટામિન ડી યોગ્ય માત્રામાં કુદરતી રીતે (તડકામાં બેસીને) લે તો બાળકનું આરોગ્ય સારું રહેશે. ઉપરાંત તેની રોગ પ્રતિકારક શક્તિ (ઈમ્યુનીટી) વધશે. આગળ જણાવ્યા પ્રમાણે હાડકા મજબુત કરવામાં વિટામિન ડી મદદ કરે છે. તો છેલ્લા સંશોધનો પ્રમાણે મોટી ઉંમરે કાનમાં બહેરાશ આવવાનું કારણ પણ વિટામિન ડીની ખામી ગણાય છે. કારણ કાનમાં રહેલા નાના હાડકા વિટામિન ડીની ખામીને કારણે નબળા પડી જાય છે.

વિટામિન ડી શામાંથી મળે ?

૧. તડકામાં બેસવાથી ફક્ત ૧૦ થી ૧૫ મિનીટમાં શરીરને જોઈતું મળી જાય. આ સિવાય બધા જ નોન વેજીટેરીઅન પદાર્થોમાંથી વિટામિન ડી મળે.

૨. કોડ લીવર ઓઈલ ૧ ચમચીમાં ૪૬૦ ઈન્ટ. યુનીટ ૩. એક ઈંડાની અંદર ૨૫ ઈન્ટ. યુનીટ. ૪. માછલી (હેરીંગ)માં ૨૭૦ ઈ.યુનીટ, અર્ધો લીટર દૂધમાં ૧૦૦ ઈન્ટ. યુનીટ. આ ઉપરાંત ૮૦૦-૧૨૦૦ મી.ગ્રામ કેલ્શ્યમ મળે. હવે વિટામિન ડી (ડી-૩ કેલ્સીફેટોલ) દવા તરીકે મળે છે તે ડોક્ટરની સલાહ પ્રમાણે લેવું જોઈએ.
તમારે કોઈપણ રોગથી મુક્ત રહેવા શું કરવાનું છે?

૧. નિયમિત બહાર ફરવા જાઓ ત્યારે સવારના તડકામાં અર્ધો કલાક ચાલો. રોજની જરૃરત જેટલું વિટામિન ડી તમને મળશે જશ. આને લીધે તમારી ઈમ્યુનીટી વધશે, અને કોઈ પણ રોગ સામે રક્ષણ મળશે.

૨. જો તમારાથી બરોબર ચાલી શકાતું ના હોય થાક લાગતો હોય, પગના નળા ખૂબ દુબળા હોય તો લોહીમાં કેટલું વિટામિન ડી છે તેની તપાસ કરાવશો. અને 'બોન ડેન્સીટી' ટેસ્ટ એક્ષરે લેનારા રેડીઓલોજીસ્ટને ત્યાં તપાસ કરાવશો.

૩. વિટામિન ડી ઓછું હોય તો અને હાડકા પોલાં હોય તો ડોક્ટરની સલાહ મુજબ વિટામિન ડી ગોળી સ્વરૃપે લેશો સાથે કેલ્શ્યમ લેવાનું ભુલતા નહીં. ઈન્જેક્શન લેવાની જરૃર નથી પણ વહેલી સવારના તડકામાં ફરવાનું રાખશો.

૪. ઉંમર લાયક ૬૦ વર્ષથી ઉપરના સ્ત્રી-પુરુષોએ ૧૦ માઈક્રોગ્રામ અથવા તો ૪૦૦ ઈ.યુનીટ વિટામિન ડી લેવાનું રાખવું. આ માટે વિટામિન ડી નાખેલું હોય તેવું દુધ લેવાનું રાખશો.

1 comments: